થાણેમાં હિટ ઍન્ડ રનનો કેસ: મર્સિડીઝકારે અડફેટે લેતાં સ્કૂટરસવાર યુવકનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં હિટ ઍન્ડ રનના કેસમાં પૂરપાટ વેગે દોડતી મર્સિડીઝ કારે સ્કૂટરસવાર યુવકને અડફેટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ મર્સિડીઝ કારનો સાથે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે.
નૌપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ થાણેના નીતિન જંક્શન પાસે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ દર્શન શશીધર હેગડે (21) તરીકે થઈ હતી.
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં સંત જ્ઞાનેશ્ર્વર નગર ખાતે રહેતો દર્શન રાઈસ અને નૂડલ્સ લેવા ચાઈનીઝની રેકડી પર ગયો હતો. પાર્સલ લઈને તે સ્કૂટર પર આવી રહ્યો હતો ત્યારે મર્સિડીઝ કારે સ્કૂટરને ટક્કર મારી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મર્સિડીઝ કાર અને બીજા વાહન વચ્ચે નાશિક-મુંબઈ હાઈવે પર રેસિંગ ચાલી રહી હતી. મુંબઈ તરફ આવી રહેલી મર્સિડીઝના ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં સ્કૂટરને અડફેટે લીધું હતું.
ગંભીર હાલતમાં રિક્ષાડ્રાઈવર મનીષ યાદવ તેની રિક્ષામાં દર્શનને નજીકની કૌશલ્ય હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન દર્શનનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે ગુનો નોંધી પોલીસ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.