વરલીમાં હિટ એન્ડ રન કેસ: મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો: પોલીસ
પોલીસે ઘટનાક્રમ ગોઠવ્યો: મિહિર અને ડ્રાઇવરને સામસામે બેસાડી પૂછપરછ કરાઇ
મુંબઈ: વરલીમાં કાવેરી નાખવા નામની મહિલાનો ભોગ લેનારા હિટ એન્ડ રન કેસમાં વિરારથી ઝડપાયેલો મુખ્ય આરોપી અને પાલઘરના રાજકીય નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: વરલીની હિટ ઍન્ડ રનની ઘટનાને પોલીસે ‘ક્રૂર અને નિષ્ઠુર’ ગણાવી
પોલીસે ઘટનાની ક્રમવાર માહિતી મેળવવા માટે ગુરુવારે ઘટનાક્રમ ગોઠવ્યો હતો. એ સિવાય તેમણે મિહિર અને તેના પારિવારિક ડ્રાઇવર રાજઋષી બિડાવતને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. અકસ્માત સમયે બંને જણ બીએમડબ્લ્યુમાં હાજર હતા. અકસ્માત થયો ત્યારે પોતે કાર હંકારી રહ્યો હતો, એવું મિહિરે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમારી તપાસમાં જાણવા મળ્યું હતું કે મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો. બીએમડબ્લ્યુ કારે વહેલી સવારે ટૂૃ-વ્હીલરને ટક્કર મારી હતી અને ત્યાર બાદ મહિલાને દૂર સુધી ઘસડી ગઇ હતી. અમે વધુ માહિતી મેળવવા માટે એક્સિડન્ટ સીન રિક્રિયેટ કર્યો હતો.
આ પણ વાંચો: વરલીમાં બીએમડબ્લ્યુ અકસ્માત: બોનટ પર ફસાયેલી મહિલાને બચાવવાને બદલે તેના પર કાર ચડાવી દીધી
આ હાઇ-પ્રોફાઇલ કેસમાં મિહિર, તેના પિતા રાજેશ શાહ અને ડ્રાઇવર બિડાવતના નામ આરોપી તરીકે છે. આરોપીઓ સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો છે. આ કેસમાં કોર્ટે સોમવારે રાજેશ શાહના જામીન મંજૂર કર્યા હતા.
દરમિયાન એક્સાઇઝ અધિકારીએ જણાવ્યું હતું કે મિહિર અને તેના મિત્રોએ વરલીમાં અકસ્માત પૂર્વે જુહુના બારમાં વ્હિસ્કીના ચાર-ચાર પેગ, એટલે કે કુલ 12 પેગ પીધા હતા. તેમણે 18,000 રૂપિયાનું બિલ કર્યું હતું. મિહિર શનિવારે મધરાતે 1.30 વાગ્યે બારમાંથી નીકળ્યો હતો અને રવિવારે વહેલી સવારે અકસ્માત થયો હતો, જેમાં કાવેરી નાખવાનું મૃત્યુ થયું હતું. મિહિરને દારૂ પીરસવા બદલ એક્સાઇઝ વિભાગે જુહુના બારનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું. દરમિયાન એવી પણ વાત વહેતી થઇ હતી કે મિહિરે આઇડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેની ઉંમર 27 વર્ષ દર્શાવતી હતી, જ્યારે મિહિર 23 વર્ષનો છે.
ડ્રાઇવર બિડાવતને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
વરલી હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરાયેલા રાજેશ શાહના ડ્રાઇવર રાજઋષી બિડાવતને ગુરુવારે શિવડી કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. બિડાવતની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી ગુરુવારે તેને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ. પી. ભોસલે સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.
પોલીસે બિડાવતની વધુ કસ્ટડીની માગણી કરતાં કોર્ટને જણાવ્યું હતું કે આ હાઇ-પ્રોફાઇલ કેસની તપાસ હજી ચાલુ છે. જોકે કોર્ટે બિડાવતને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો, જેને પગલે બિડાવતને હવે જેલમાં રાખવામાં આવશે. આ કેસમાં મંગળવારે વિરારથી ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી મિહિર શાહ હાલ 16 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મિહિર શાહે વરલીમાં મળસકે સ્કૂટર પર જઇ રહેલા નાખવા દંપતીને અડફેટે લીધા બાદ રાજેશ શાહની સૂચના પર બિડાવતે બીએમડબ્લ્યુનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું અને તેણે રિવર્સમાં લઇને કાર કાવેરી નાખવા પર ચડાવી દીધી હતી.