માત્ર દુકાનો જ નહીં, હું શાળાઓ પણ બંધ કરીશ…
‘હિન્દી ફરજિયાત કરો...’, રાજ ઠાકરેનો દેવેન્દ્ર ફડણવીસને જાહેર પડકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દી અને મરાઠી વિરુદ્ધ મુદ્દે રાજકારણ ગરમાયું છે. થોડા દિવસો પહેલા, થાણે જિલ્લાના મીરા ભાઈંદરમાં આયોજિત મરાઠી વિરુદ્ધ અમરાઠીના મુદ્દે વેપારીઓની કૂચનો જવાબ આપવા માટે મનસે કાર્યકરોએ અમરાઠી વેપારીઓના વિરોધમાં કૂચ કાઢી હતી.
ત્યારબાદ, શુક્રવારે મીરા ભાઈંદરમાં જ મનસે પ્રમુખ રાજ ઠાકરેની જાહેર સભા યોજાઈ હતી. આ વખતે, રાજ ઠાકરેએ ફરજિયાત હિન્દીના મુદ્દા પર દેવેન્દ્ર ફડણવીસને જાહેરમાં પડકાર ફેંક્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ હિન્દી ભાષાને ફરજિયાત બનાવશે. હવે, રાજ ઠાકરેએ તેમના આ નિવેદન પર જાહેર પડકાર ફેંક્યો છે.
‘જો તમે આત્મહત્યા કરવા માગતા હો, તો કરો. મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધી હિન્દી લાવવાનો પ્રયાસ કરી જુઓ. માત્ર દુકાનો જ નહીં, હું શાળાઓ પણ બંધ કરાવી દઈશ. શું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હિન્દી માટે લડી રહ્યા છે?, એમ રાજ ઠાકરેએ ફડણવીસને પડકાર ફેંકતા જણાવ્યું હતું.
રાજ ઠાકરે મરાઠીના મુદ્દા પર આક્રમક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જો તમે મહારાષ્ટ્રમાં રહો છો, તો મરાઠી શીખો, યોગ્ય રીતે વ્યવસાય કરો. જો તમે રૂઆબ બતાવશો, તો તમને માર મારવામાં આવશે,’ એવી ચેતવણી રાજ ઠાકરેએ ઉચ્ચારી હતી.