હિમાચલ પ્રદેશમાં નડેલા અકસ્માતમાં ઘાટકોપરની કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

હિમાચલ પ્રદેશમાં નડેલા અકસ્માતમાં ઘાટકોપરની કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: હિમાચલ પ્રદેશમાં બાઈક રાઈડ વખતે નડેલા અકસ્માતમાં ઘાટકોપરમાં રહેતી કચ્છી મહિલા રચના વોરાએ જીવ ગુમાવ્યો હતો. ઓવરટેકના પ્રયાસમાં ટૅન્કર સાથે બાઈક ટકરાતાં રચના ટૅન્કરના ટાયર નીચે આવી ગઈ હતી, જ્યારે બાઈક ચલાવનારો રચનાનો માસિયાઈ ભાઈ ચિરાગ કેનિયા જખમી થયો હતો.

કોલ્હાપુરમાં રહેતા રચનાના મામા હસમુખભાઈ ગાલાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અકસ્માતની ઘટના સોમવારની સવારે 11 વાગ્યે હિમાચલ પ્રદેશમાં શિમલાથી આગળ રામપુર નજીક બની હતી. મંગળવારની સવારે રચનાનો મૃતદેહ ઘાટકોપર લાવવામાં આવ્યો હતો અને બપોરે અંતિમસંસ્કાર કરાયા હતા.

ઘાટકોપર પૂર્વમાં પંતનગરની રાજશ્રી સ્ટેટ્સ ઈમારતમાં રચના (44) પિતા જવાહરભાઈ અને માતા ભાવનાબહેન સાથે રહેતી હતી. તેની મોટી બહેન સેજલ લગ્ન બાદ અમેરિકામાં રહે છે.

આ પણ વાંચો: હિમાચલમાં મોટી દુર્ઘટના: બસ પર ભૂસ્ખલન થતા 15 પ્રવાસીનાં મોત

ચંડીગઢથી મનાલી અને ફરી ચંડીગઢની બાઈક રાઈડનું સ્થાનિક ટૂર ઑર્ગેનાઈઝર દ્વારા આયોજન કરાયું હતું. બાઈક રાઈડ માટે વડાલામાં રહેતો રચનાની માસીનો દીકરો ચિરાગ કેનિયા (42) અને અંધેરીમાં રહેતો કઝિન હિતેશ સોનાની ચંડીગઢ જવાના હોવાથી રચના પણ તેમની સાથે ગઈ હતી.

કહેવાય છે કે બાઈક રાઈડ દરમિયાન રામપુરમાં ઑવરટેકના પ્રયાસમાં ટૅન્કરના પાછલા ભાગ સાથે બાઈક ટકરાઈ હતી. અકસ્માતને કારણે રચના બાઈક પરથી જમીન પર પટકાઈ હતી ટૅન્કરના ટાયર નીચે આવી ગઈ હતી. અકસ્માતમાં ચિરાગને પણ ઇજા થઈ હતી. બન્નેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે રચનાને મૃત જાહેર કરી હતી.

રચના ચિરાગની બાઈક પર પાછળની સીટ પર બેઠી હતી, જ્યારે હિતેશ બીજી બાઈક પર હતો. રચના મુંબઈની પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચ્ચા હોદ્દા પર કામ કરતી હતી, એવું જાણવા મળ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button