એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદઃ નવાબ મલિક સામેના કેસની માહિતી હાઇ કોર્ટે મગાવી
મુંબઈ: આઇઆરએસ અધિકારી સમીર વાનખેડ દ્વારા એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા નવાબ મલિક સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કરાયેલી ફરિયાદના આધારે નોંધાયેલા કેસની તપાસની માહિતી હાઇ કોર્ટે આજે પોલીસ પાસે માગી હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસિસ (ડીજીટીએસ)માં એડિશનલ કમિશનર અને મહાર શેડ્યુલ્ડ કાસ્ટના સભ્ય વાનખેડેએ હાઇ કોર્ટમાં ધા નાખીને પોલીસ યોગ્ય કાર્યવાહી કરી રહી ન હોવાનો આક્ષેપ કરીને આ કેસ સીબીઆઇને સોંપવાની માગણી કરી હતી. હાઇ કોર્ટેની બેન્ચે ગોરેગામ પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીને આગામી સુનાવણી વખતે આ કેસના તપાસની વિસ્તૃત માહિતી સાથે હાજર રહેવાનો નિર્દેશ કર્યો હતો.
કોર્ટે બે અઠવાડિયામાં તપાસની માહિતી આપવાનું કહ્યું હતું. પોલીસ કાર્યવાહી કરી રહી ન હોવાને કારણે પોતાને અને પોતાના પરિવારને માનસિક ત્રાસ અને અપમાન સહન કરવો પડ્યો હતો, એવો આક્ષેપ વાનખેડે દ્વારા કરાયો હતો.
Also Read – અજિત પવારે 10 વર્ષ પછી શરદ પવારના નિર્ણયનું પુનરાવર્તન કર્યું
ઓગસ્ટ, ૨૦૨૨માં ઈન્ડિયન રેવેન્યુ સર્વિસિસ (આઇઆરએસ)ના અધિકારી વાનખેડેએ ગોરેગામ પોલીસમાં મલિક સામે શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીસ) એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં વાનખેડેએ જણાવ્યું હતું કે મલિકે સોશિયલ મીડિયા પોસ્ટ અને અમુક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના અને પોતાના પરિવાર સામે જાતિ આધારિત બદનક્ષીભરી ટિપ્પણીઓ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી મલિકની ધરપકડ કરાઇ નથી અને કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરાઇ નથી.