Drug Case: બોલીવુડની અભિનેત્રી મમતા કુલકર્ણીને હાઈ કોર્ટે આપી રાહત

મુંબઈ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી (Mamata Kulkarni) વિરુદ્ધ નોંધવામાં આવેલા 2016ના ડ્રગ્સ કેસ (Drug Case)ને રદ કરી નોંધ્યું છે કે તેમની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી વજુદ વગરની હતી. આ કાર્યવાહી ચાલુ રાખવાથી કોર્ટની પ્રક્રિયાના દુરુપયોગ સિવાય અન્ય કોઈ હેતુ સર નહીં થાય એમ અદાલતે નોંધ્યું હતું.
ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે અને ન્યાયમૂર્તિ મંજુષા દેશપાંડેની ખંડપીઠે 22 જુલાઈએ આપેલા આદેશની એક નકલ બુધવારે ઉપલબ્ધ થઈ હતી. આ આદેશમાં ખંડપીઠે જણાવ્યું હતું કે કુલકર્ણીના કેસ સંદર્ભે એકઠી કરવામાં આવેલી સામગ્રીના આધારે પ્રથમ દ્રષ્ટિએ તેમની સામે કોઈ ગુનો નોંધી શકાય એમ નથી એ સ્પષ્ટ થાય છે.
ખંડપીઠે આદેશમાં જણાવ્યું હતું કે ‘અરજદાર (કુલકર્ણી) સામે કાર્યવાહી ચાલુ રાખવાથી કોર્ટની પ્રક્રિયાના દુરુપયોગ સિવાય અન્ય કોઈ હેતુ નહીં સરે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ.’ અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કાર્યવાહીમાં કોઈ વજૂદ ન હોવાથી એફઆઈઆર રદ કરવાની અદાલતની સત્તાનો ઉપયોગ કરવા માટે આ યોગ્ય કેસ છે એ વિશે કોર્ટના મનમાં કોઈ શંકા નથી.
આ પણ વાંચો : Akshay Kumar…તે તો દિલ જીતી લીધું, અભિનેતાનો ભાવ જોઈ ફેન્સ તેના પર વારી ગયા
૨૦૧૬માં થાણે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની વિવિધ જોગવાઈ હેઠળ નોંધાવેલી એફઆઈઆર રદ કરવા માટે મમતા કુલકર્ણીએ અરજી દાખલ કરી હતી. આ કેસમાં પોતાને ફસાવવામાં આવી હોવાનો દાવો તેણે કર્યો હતો અને તે આ કેસના સહ-આરોપીમાંના માત્ર વિકી ગોસ્વામી સાથે જ પરિચય હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
એક કિલોગ્રામ એફેડ્રિન નામનો માદક પદાર્થ રાખવાના આરોપમાં પોલીસે એપ્રિલ 2016માં બે વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ મમતા કુલકર્ણી સહિત વધુ 10 જણા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો