લગ્ન કર્યા વિના મહિલા માગતી હતી મેઈન્ટેનનન્સ, હાઈ કોર્ટે ભર્યું આ પગલું…
મુંબઈ: છૂટાછેડા અને ભરણપોષણના નામે અનેક પુરુષો પાસેથી લાખો રૂપિયા પડાવનાર એક મહિલાને બૉમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. તે મહિલા પર આરોપ હતો કે લગ્ન કર્યા વગર જ તે અનેક પુરુષો પાસેથી ભરણપોષણ મેળવવા તેમના વિરોધમાં પોલીસ ફરિયાદ કરતી હતી.
ત્યાર બાદ કોર્ટની બહાર જ સેટલમેન્ટ (સમજૂતી) કરીને ફરિયાદ ખેંચી લેતી હતી. આ પ્રકરણે આરોપી મહિલા સહિત બે વકીલના વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બન્ને વકીલ મહિલા સાથે મળેલા હતા. આરોપી મહિલાની પોલીસે ધરપકડ કર્યા બાદ તેણે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. અગાઉ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે તેના જામીન નકાર્યા હતા. ત્યાર બાદ તેણે હાઇ કોર્ટમાં ધા નાખી હતી.
એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તે ક્યારેય આ મહિલાને મળ્યો જ નથી. તેમ છતાં તેણે પોતાની સામે ભરણપોષણ મેળવવા કેસ કર્યો છે. બે વકીલ સાથે મળીને પૈસા પડાવવાનો પ્રયત્ન પણ કર્યો. આ સિવાય અન્ય ત્રણ જણ સામે પણ આ પ્રકારની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : મુંબઈને રણજી ટાઇટલ અપાવનાર બોલરે લંડનમાં પગની ઘૂંટીમાં કરાવી સર્જરી…
આ મહિલા ખોટા નામ અને ઓળખ આપીને આવા કેસ કરે છે. બે ખટલામાં તો તેણે પીડિતો સાથે કોર્ટની બહાર સમજૂતી કરીને પૈસા પડાવ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદ પાછી ખેંચી હતી. કોર્ટે આ પ્રકરણે તપાસનો આદેશ આપ્યો હતો ત્યારે મહિલા અને બે વકીલ મળીને લોકોની છેતરપિંડી કરતા હોવાનું જણાયું હતું.