લાંચ કેસમાં સેશન્સ કોર્ટના જજને જામીન આપવાનો હાઇ કોર્ટનો ઇનકાર

મુંબઈઃ લાંચ કેસનો સામનો કરી રહેલા સેશન્સ કોર્ટના જજને આગોતરા જામીન આપવાનો બોમ્બે હાઇ કોર્ટે આજે ઇનકાર કર્યો હતો. છેતરપિંડીના કેસમાં જામીન આપવા માટે પાંચ લાખ રૂપિયાની કથિત માગણીઁ કરવા માટે સાતારા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના જજ ધનંજય નિકમ સામે મહારાષ્ટ્ર એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
જસ્ટિસ એન. આર. બોરકરની સિંગલ બેન્ચે ચેમ્બરમાં જ આ કેસની સુનાવણી કરી હતી, કારણ કે કેસ કાયદાના અધિકારી સામેનો હતો. કોર્ટે અરજી ફગાવતા કહ્યું હતું કે આ કેસમાં કોઇ પણ રાહત આપી શકાશે નહીં. આ કેસના ચુકાદાની વિસ્તૃત નકલ બાદમાં ઉપલબ્ધ થશે. નિકમે જાન્યુઆરીમાં આગોતરા જામીનની માગણી સાથે હાઇ કોર્ટમાં ધા નાખી હતી તથા દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે અને તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે.
નિકમના વકીલ દ્વારા રજૂ કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે એફઆઇઆરમાં પ્રત્યક્ષ રીતે જણાતું નથી કે નિકમે સીધી પૈસાની માગણી કરી હોય. ફરિયાદી અને આરોપી સાથે યોજાયેલી બેઠક વિશે તેમને ખબર જ નહોતી.
આ પણ વાંચો…લાડકી બહેન યોજના: લાભાર્થીના પૈસા પતિએ દારૂમાં ઉડાવતા ગુનો નોંધાયો
નિકમ મુખ્ય તારીખો અથવા ડેપ્યુટેશન વખતે રજા પર હતા જે કરવામાં આવેલા આરોપો પર શંકા ઊભી કરે છે, એમ અરજીમાં વધુમાં જણાવ્યું હતું. એક મહિલા દ્વારા કરાયેલી ફરિયાદ અનુસાર તેના પિતા જેઓ નાગરી સંરક્ષણ કર્મચારી છે તેઓ સરકારી નોકરીની લાલચ હેઠળ છેતરપિંડીના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
મહિલાએ તેના પિતા માટે જામીનની અરજી કરી હતી જેની સુનાવણી સાતારા સેશન્સ કોર્ટમાં નિકમ દ્વારા થવાની હતી. એસીબીના જણાવ્યાનુસાર બે ખાનગી વ્યક્તિની મદદથી નિકમે મહિલા પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી.