જમાઈ કે જમઃ સાસુ પર બળાત્કાર કરનાર જમાઈની 14 વર્ષની સજા હાઈ કોર્ટે યથાવત્ રાખી

મુંબઈ: માતા સમાન સાસુ પર બળાત્કાર કરવા બદલ એક વ્યક્તિને ફરમાવવામાં આવેલી સજા યથાવત્ રાખી મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે નોંધ્યું છે કે આ શરમજનક કૃત્ય છે અને પીડિતા તેના (જમાઈ) માટે માતા સમાન કહેવાય.
ન્યાયમૂર્તિ જી એ સનપની ખંડપીઠે મંગળવારે આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે પીડિતાની ઉંમર ગુનેગારની માતા જેટલી જ હતી અને તેણે ‘તેના સ્ત્રીત્વની પવિત્રતા ખંડિત કરી હતી. મહિલાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેનો જમાઈ આવું જઘન્ય કૃત્ય કરશે જેનું કલંક આજીવન તેના પર રહેશે.
અદાલતે જણાવ્યું છે કે ‘કેવી શરમજનક ઘટના છે કે અપીલકર્તા (દોષી) ફરિયાદી (પીડિતા)નો જમાઈ છે અને તેણે માતાની ઉંમરની તેની સાસુ સાથે આવું કૃત્ય કર્યું છે. અપીલકર્તાએ ફરિયાદીની સ્ત્રીત્વની પવિત્રતા ખંડિત કરી હતી.’
આપણ વાંચો: મણિપુરમાં ફરી હિંસા: બળાત્કાર કરી મહિલાને સળગાવી દેવાઈ
ખંડપીઠે સજા યથાવત રાખી કહ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા બળાત્કારના કેસને સાબિત કરવા માટે પૂરતા છે અને દોષિતને ફટકારવામાં આવેલી સજા ગુનાની ગંભીરતાને અનુરૂપ છે.
દોષિતે ડિસેમ્બર 2018માં પોતાનાં 55 વર્ષનાં સાસુ પર બળાત્કારના આરોપમાં સેશન્સ કોર્ટ દ્વારા દોષી ઠેરવી 14 વર્ષની જેલની સજા ફટકારવાના માર્ચ 2022ના ચુકાદાને પડકાર્યો હતો. ફરિયાદીએ આરોપ કર્યો હતો કે તેના જમાઈ અને પુત્રી અલગ થઈ ગયા છે અને તેના પૌત્ર-પૌત્રી તેમના પિતા સાથે રહેતા હતા.
(પીટીઆઈ)