વસઈની 41 ઈમારતોને હાઈકોર્ટે રાહત ન આપી

મુંબઈ: મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં આવેલા વસઈની ડિમોલીશનનો સામનો કરી રહેલી 41 ઈમારતોને સંપૂર્ણ ગેરકાયદે અને અનધિકૃત ગણાવીને કોઈપણ રાહત આપવાનો મુંબઈ હાઈ કોર્ટે સોમવારે ઈનકાર કર્યો હતો. આ ઉપરાંત હાઈ કોર્ટે નોંધ્યું હતું કે આ ઈમારતો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડની જમીન પર બાંધવામાં આવી હતી.
જસ્ટિસ એમ. એસ. સોનક અને જસ્ટિસ કમલ ખાતાની ખંડપીઠે આ બિલ્ડિંગના ફ્લેટધારકોને ઈમારત ખાલી કરવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
ચાલુ વર્ષના જૂન મહિનામાં ખંડપીઠે ઈમારતના ડિમોલિશન બાબતે દાખલ કરેલી અરજીની સુનાવણી કરતી વખતે, જણાવ્યું હતું કે વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (વીવીસીએમસી) માટે આવા સ્પષ્ટપણે ગેરકાયદે બાંધકામો સામે પગલાં લેવા આડે કોઈ અવરોધ નથી. આ પછી વીવીસીએમસીએ કેટલાક બાંધકામોને તોડી પાડ્યા હતા અને અન્ય 41 ઇમારતોને તોડી પાડવાની નોટિસ જારી કરી હતી જેમાં રહેવાસીઓને 24 કલાકની અંદર તે ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: ભૂજબળની મુશ્કેલી વધી: મુંબઈ હાઈ કોર્ટે આપી નોટિસ, મહારાષ્ટ્ર સદનમાં મળેલી ક્લિન ચીટ પર સુનાવણી
આ બિલ્ડીંગમાં ફ્લેટ ધરાવતા 15 વ્યક્તિઓએ સોમવારે હાઈકોર્ટમાં અરજી કરીને ડિમોલિશન સામે રાહત માંગી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે અરજદારો જે ઈમારતોમાં રહે છે તે સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવ્યા બાદ બાંધવામાં આવી હોવાનું તેઓ દર્શાવી શક્યા નથી.
ફ્લેટ માલિકોને બિલ્ડર/ડેવલપર દ્વારા છેતરવામાં આવ્યા હોઈ શકે છે જેના માટે તેઓ સંબંધિત વ્યક્તિ સામે દાવો માંડીને પોતાની નુકસાનીની વસૂલાત કરી શકે છે, એમ ન્યાયમૂર્તિઓએ વધુમાં જણાવ્યું હતું.
ખંડપીઠે આવા કિસ્સાઓમાં તાત્કાલિક પગલાં ન લેવા અને આવા ગેરકાયદે બાંધકામોને બંધાઈ જવા સુધી રાહ જોવા બદલ વીવીસીએમસીની પણ આકરી ઝાટકણી કાઢી હતી. પાલિકા જમીન માફિયાઓને પ્રોત્સાહિત કરી રહી છે અને ગરીબ લોકો આ બધામાં ભોગવે છે, એમ કોર્ટે કહ્યું હતું.
ખંડપીઠે નોંધ્યું હતું કે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડ આવશ્યક સેવા છે અને તેમના માટે આરક્ષિત જમીન કોઈપણ દ્વારા હડપ કરી શકાય નહીં. આવા સંપૂર્ણ ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામને બચાવવાનો કોઈ પ્રશ્ર્ન જ ઊભો થતો નથી, એમ હાઈકોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ)