ઝૂંપડાવાસીઓનો પાણીનો વેરો વધારો છો તો મેચના આયોજકોને ફીમાંથી માફી કેમઃ હાઈ કોર્ટનો સરકારને સવાલ

મુંબઈ: પોલીસ તૈનાત કરવા માટે આઈપીએલ મેચોના આયોજકો પાસેથી બાકી નીકળતી રકમ ઘટાડવાના અને માફ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો નિર્દેશ બોમ્બે હાઈ કોર્ટે આજે રાજ્ય સરકારને આપ્યો હતો અને નોંધ્યું હતું કે તેને સરકારનો નિર્ણય તર્કબદ્ધ નથી લાગતો.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે જણાવ્યું હતું કે એક તરફ સરકાર ઝૂંપડપટ્ટીવાસીઓ પર પાણી વેરાના ચાર્જમાં વધારો કરતી રહી છે પરંતુ બીજી તરફ રોકડા રળી આપતી ક્રિકેટ મેચના આયોજકોની ફી માફ કરવામાં આવી રહી છે.
‘આ શું છે? તમે (સરકાર) શું કરી રહ્યા છો? આ ફી છે ટેક્સ નહીં. તમે ઝૂંપડપટ્ટીવાસીઓ પર પાણીનો કર વધારતા રહેશો અને બીજી તરફ આવી ક્રિકેટ મેચોની ફી માફ કરી દ્યો છો. બીસીસીઆઇ (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા) વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ એસોસિએશન છે’, એમ કોર્ટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગોખલે ફ્લાયઓવર બીજો તબક્કો ખુલ્લો મૂકવામાં વિલંબ, નાગરિકો ભોગવી રહ્યા છે હાડમારી
એક્ટિવિસ્ટ અનિલ ગલગલી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં 2011થી અત્યાર સુધીની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટી – 20 મેચોને પૂરી પાડવામાં આવતી પોલીસ સુરક્ષા માટેના દરમાં ઘટાડો કરવાના રાજ્યના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
મુંબઈના વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં 2013થી 2018 દરમિયાન યોજાયેલી આઈપીએલ મેચો માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) પાસેથી પોલીસે હજુ સુધી 14.82 કરોડ રૂપિયાની લેણી નીકળતી રકમ વસૂલ નથી કરી.
2017 અને 2018માં બહાર પાડવામાં આવેલા બે સરકારી ઠરાવ અનુસાર આયોજકોએ ટી-20 અને વન-ડે મેચ દીઠ આશરે 66થી 75 લાખ રૂપિયા અને મુંબઈના વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાયેલી ટેસ્ટ મેચ માટે 55 લાખ રૂપિયા ચૂકવવાના હતા. જોકે, જૂન 2023માં, સરકારે એક નવો ઠરાવ જારી કરી ટી -20 અને વન-ડે મેચ માટેની ફી ઘટાડીને 25 લાખ રૂપિયા કરવામાં આવી હતી એવી રજૂઆત કરવામાં આવી છે.
(પીટીઆઈ)