હે નિયતિ…તું આટલી નિષ્ઠુરઃ દીકરી વીડિયો શૂટ કરતી હતી ને પિતા પાણીમાં…
મુંબઈઃ વરસાદમાં નિસર્ગ સોળ કળાએ ખિલે છે અને તે દૃશ્યો ખૂબ આહલાદક હોય છે, પણ આ જ કુદરત તો કોપાયમાન થાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં શું થાય તે કહી શકાતું નથી. દૂરથી શાંત દેખાતું ઝરણુ પણ પોતાના વહેણમાં ખેંચી જવાની તાકાત રાખતું હોય છે આથી આવી જગ્યાએ જતા પર્યટકોએ પ્રકૃતિને દૂરથી માણવાની જ મજા લેવી જોઈએ. મહારાષ્ટ્રમાં બે ઘટના આવી બની છે જેમાં કુદરત સાથે બાથ ભીડી શકાતી નથી તે ફરી સાબિત થયું છે.
લોનાવલાના ભુશી ડેમ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ જીવ ગમાવ્યાની ઘટના અને તેના ભયાનક વીડિયોએ સૌને હચામચાવી દીધા હતા ત્યારે હવે તામ્હીણી ઘાટ પર પણ એક ચોંકાવનારી ઘટના બની હતી જ્યાં એક યુવક ધોધમાં તણાઈને મૃત્યુ પામ્યો હતો. સ્વપ્નિલ ધવંદે નામનો આ યુવક, જે જાણીતો ટ્રેકર છે અને આવા એડવેન્ચર કરતો રહે છે તે બાળકોને ટ્રેકિંગ માટે તામ્હિણી ઘાટ પર લઈ ગયો હતો. સ્વપ્નીલ સારો તરવૈયો હોવા છતાં ધસમસતા પાણીમાં વહી ગયો હતો, પણ તેના કરતા વધારે હૃદયદ્રાવક એ હતું કે તેની દીકરી પણ તેની સાથે હતી અને તે પિતા તરી રહ્યા છે તેનો વીડિયો શૂટ કરી રહી હતી, પરંતુ કમનસીબે પિતાના છેલ્લા શ્વાસના દૃશ્યો પણ તેના કેમેરામાં કેદ થયા. સ્વપ્નિલ ધવંદે એક રાષ્ટ્રીય બોક્સર છે જેણે ભારતીય સેનામાં પણ સેવા આપી હતી.
આ પણ વાંચો : લોનાવલાના ભૂશી ડેમ ખાતે દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં, સુરક્ષા માર્ગદર્શિકા બહાર પાડી
ઘટના અંગે મળેલી માહિતી અનુસાર જ્યારે બધા તામ્હિણી ઘાટથી નીકળવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે સ્વપ્નીલે તેને તેની પુત્રીનો પાણીમાં કૂદકો મારતો વીડિયો લેવા કહ્યું. આ જ વીડિયો શૂટ કરતી વખતે સ્વપ્નિલ તણાઈ ગયો હતો. તે તેના જીવનનો છેલ્લો વીડિયો હતો. આંખના પલકારામાં તેના પિતાને આ રીતે નદી તાણી ગઈ અને દીકરી કંઈ ન કરી શકી.
આ ચોંકાવનારી ઘટના પિંપરી ચિંચવડ વિસ્તારના ભોસારી વિસ્તારમાં બની હતી. સ્વપ્નિલ ધવંદે એક વર્ષ પહેલા આર્મીમાંથી નિવૃત્ત થયો હતો. ત્યાર બાદ તે ભોસરી વિસ્તારમાં સ્વિમિંગ અને એક્સરસાઇઝની ટ્રેનિંગ આપવાનું કામ કરતો હતો.
શનિવારની આસપાસ, તે તામ્હિણી ઘાટમાં પ્લસ વેલી વિસ્તારમાં 32 લોકોના જૂથ સાથે ટ્રેકિંગ માટે ગયો હતો. લાંબા દિવસના ટ્રેકિંગ પછી જતા સમયે, તેણે તેમની પુત્રીને પાણીમાં કૂદતા મારો વીડિયો લેવા કહ્યું. આ વિડિયોમાં સ્વપ્નિલ ધવંદે વહી જવાની કરૂણ ઘટના પણ કેદ થઈ ગઈ છે.
लोणावळ्यात भुशी डॅम दुर्घटनेनंतर आता ताम्हिणी घाटात तरुण गेला वाहून, अंगावर शहारे आणणारा व्हिडिओ pic.twitter.com/sIr55DwLGm— Maharashtra Times (@mataonline) July 1, 2024
સોમવારે મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વપ્નિલ પોતાની પાછળ માતા, પત્ની અને પુત્રી એમ ત્રણ સભ્યને છોડી ગયો છે. આ કરૂણ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યુ છે કે અમુક સમયે જોખમ ન લેવામાં જ સમજદારી છે.