ગોરેગામમાં 1.15 કરોડનું હેરોઇન જપ્ત: બે ડ્રગ પેડલરની ધરપકડ…
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ગોરેગામ વિસ્તારમાંથી 1.15 કરોડ રૂપિયાનું હેરોઇન પકડી પાડીને બે ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડની કાયાપલટ થશેઃ 1.64 કરોડના ખર્ચે ક્રોક્રીટીકરણ કરાશે…
એએનસીના ઘાટકોપર યુનિટનો સ્ટાફ ગુરુવારે ગોરેગામ પૂર્વમાં આરે મિલ્ક કોલોની ખાતે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને બે ડ્રગ પેડલર અંગે માહિતી મળી હતી, જે ડ્રગ્સ વેચવા માટે ત્યાં આવ્યા હતા. માહિતીને આધારે પોલીસ ટીમે છટકું ગોઠવીને બંનેને તાબામાં લીધા હતા.
બંને આરોપીની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી 288 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેની કિંમત 1.15 કરોડ થાય છે. આથી બંને આરોપી વિરુદ્ધ એનપીડીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ ઉત્તરાખંડના વતની હોઇ તેઓ ડ્રગ્સની તસ્કરીમાં સામેલ છે. મુંબઈ અને ઉનગરોમાં તેઓ ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો : ભારત જોડો યાત્રા પર ફડણવીસનો આરોપ કેન્દ્રની નિષ્ફળતા દર્શાવે છે: આદિત્ય ઠાકરે…
ઉલ્લેખનીય છે કે એએનસીના અધિકારીઓએ 2024માં કુલ 84 ગુનો દાખલ કરીને 172 જેટલા આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 59.67 કરોડથી વધુની કિંમતનું વિવિધ પ્રકારનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.