મરીન ડ્રાઈવની હેરિટેજ રોનક બરકરાર રહેશે: હાઈ કોર્ટે આપ્યો વચગાળાનો સ્ટે, ઓથોરિટીને કર્યાં સવાલ…
મુંબઈ: મરીન ડ્રાઈવ પર ૫૮ મીટર સુધીની બિલ્ડિંગોના પુન:વિકાસની સુવિધા માટે માર્ગદર્શિકાના અમલ પર બોમ્બે હાઈ કોર્ટે વચગાળાનો સ્ટે આપી દીધો છે અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું ઓથોરિટી આ વિસ્તારની સ્કાયલાઈનને બદલવા માગે છે? ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે એવો પ્રશ્ન કર્યો હતો કે પાલિકા અને મહારાષ્ટ્ર સરકાર આવી માર્ગદર્શિકા કેવી રીતે જાહેર કરી શકે.
આ પણ વાંચો : Diwali પહેલાં મુંબઈમાં આ વસ્તુ વેચવા પર Mumbai Policeએ મૂક્યો પ્રતિબંધ, અત્યારે જ જાણી લેજો, નહીંતર…
તમે (અધિકારીઓ) શું કરી રહ્યા છો? તમે આવો નિર્ણય કેવી રીતે કરી શકો. મરીન ડ્રાઈવની સમગ્ર સ્કાયલાઈન બદલાઈ જાય એવી કલ્પના પણ કઇ રીતે કરી શકો, એવું કોર્ટે જણાવ્યું હતું. કોર્ટ ફેડરેશન ઓફ ચર્ચગેટ રેસિડન્ટ્સ દ્વારા દાખલ કરાયેલી જનહિત અરજીની સુનાવણી કરી રહી હતી, જે રાજ્ય સરકાર અને પાલિકા દ્વારા ૨૦૨૩માં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને પડકારવામાં આવી હતી.
આ દિશાનિર્દેશો હેઠળ બિલ્ડિંગોને ત્રણ શ્રેણીઓમાં જૂથબદ્ધ કરવામાં આવી હતી, જેના આધારે ઊંચાઈ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. માર્ગદર્શિકા મુજબ જો મરીન ડ્રાઈવ રોડની બીજી હરોળમાં આવેલી કોઇપણ બિલ્ડિંગ પુન:વિકાસ દરમિયાન ૨૪ મીટર ઊંચાઈના પ્રતિબંધને ઓળંગવા માગે તો પાલિકા પાસેથી વિશેષ પરવાનગી માગી શકાય છે. કમિશનર ૫૮ મીટરની ઊંચાઈ સુધીની બિલ્ડિંગ માટે પરવાનગી આપી શકે છે.
આ પણ વાંચો : પુણેમાં પાણીની મોટી ટાંકી થઇ ધરાશાયી, બેના મોતની આશંકા
જનહિત અરજીમાં તેને પડકારવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે મરીન ડ્રાઈવ હેરિટેજ વિસ્તાર છે અને તેથી તેનું એ મુજબનું જતન કરવું જોઇએ. ખંડપીઠે ગુરુવારે પાલિકા અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલાવી હતી અને અગિયારમી ડિસેમ્બર સુધીમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અમે ત્યાં સુધી પ્રતિબંધિત માર્ગદર્શિકાના અમલ પર વચગાળાનો સ્ટે લગાવી રહ્યા છીએ.