આમચી મુંબઈ

હેમંત કરકરેને આતંકી કસાબે નહીં, પોલીસે ગોળી મારી હતી!: વડેટ્ટીવારે વિવાદ નોંતર્યો?

મુંબઈ: રાજકારણીઓ અવારનવાર પોતાના બેફામ અને વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં આવતા હોય છે અને હાલ તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે કૉંગ્રેસના એક નેતાએ અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
મુંબઈ ઉપર 2008માં થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થનારા એ સમયના મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરેરિઝમ સ્ક્વૉડ (એટીએસ)ના વડા હેમંત કરકરેને ગોળી મારનારો આતંકવાદી કસાબ નહીં, પરંતુ પોલીસવાળો હતો, તેવું નિવેદન મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધપક્ષના નેતા તેમ જ કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિજય વડેટ્ટીવારે આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ તરફથી ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી મુંબઈ આતંકી હુમલા વખતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવનારા ઉજ્જ્વલ નિકમને ટિકીટ આપવામાં આવી છે. જેને પગલે કૉંગ્રેસે મોટો વિવાદ ઊભો કરતા હેમંત કરકરેની હત્યા મુંબઈ પોલીસના જ કર્મચારીએ કર્યું હોવાનું નિવેદન આપ્યું છે.

આરએસએસ સમર્પિત પોલીસનું કૃત્ય
વડેટ્ટીવારે કહ્યું હતું કે આઇપીએસ હેમંત કરકરેની હત્યા જે ગોળી મારીને થઇ તે પાકિસ્તાની આતંકવાદીઓ તરફથી નહીં, પરંતુ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ને સમર્પિત એક પોલીસકર્મી તરફથી ચલાવવામાં આવી હતી.

ઉજ્જવલ નિકમ દેશદ્રોહી: વડેટ્ટીવાર
ફક્ત એટલું જ નહીં, કસાબને ફાંસીના માંચડે ચઢાવનારા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમ દેશદ્રોહી છે, તેવું નિવેદન વડેટ્ટીવારે આપતા હોબાળો મચ્યો છે. તેમણે કહ્યું હતું કે કસાબને બિરીયાની ખવડાવાય છે તેવું કહીને નિકમે કૉંગ્રેસને બદનામ કરી અને તેમણે અદાલતમાં પણ સાક્ષી ન પુરાવી. એ તો ગદ્દારી કરી કહેવાય. ભાજપ કેમ આવા ગદ્દારનું સમર્થન કરે છે? કરકરેનું મૃત્યુ આતંકવાદીની ગોળીથી નહીં, આરએસએસ સમર્થક પોલીસના હથિયારથી ચલાવાયેલી એ હકીકત અદાલતને ન જણાવનારા નિકમ ગદ્દાર છે. જોકે, આ બધું પોતે પોલીસ અધિકારી એસ.એમ.મુશ્રીફની પુસ્તકમાં લખેલું છે તે બોલી રહ્યા હોવાનું વડેટ્ટીવારે કહ્યું હતું.

કૉંગ્રેસ-શહેઝાદાની જીત માટે પાકિસ્તાનમાં દુઆઓ: ભાજપ
વડેટ્ટીવારે આપેલા નિવેદન બાદ ભાજપે પણ વળતો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે પોતાની એક ખાસ વોટબૅંકને ખુશ કરવા માટે કૉંગ્રેસ નીચલી પાયરીએ બેસી શકે છે. વડેટ્ટીવારે આતંકવાદીઓને ક્લીન-ચીટ આપીને આ વાતને સાબિત કરી દીધી છે. આતંકવાદીઓનો પક્ષ લેતા વખતે કૉંગ્રેસને જરા પણ શરમ નથી આવતી. આજે આખા દેશને ખબર છે કે કૉંગ્રેસ અને શહેઝાદાની જીત માટે પાકિસ્તાનમાં દુઆઓ માગવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button