મારી દીકરી હેલીના મૃત્યુ માટે રેલવે જ જવાબદાર: પ્રિયેશ મોમાયાએ રોષ ઠાલવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રેલવે કર્મચારીઓના આંદોલન પછી શરૂ થયેલી પહેલી જ ફાસ્ટ લોકલની અડફેટે આવીને બે જણે જીવ ગુમાવ્યા પછી નફ્ફટ રેલવે પ્રશાસનનું કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં પ્રવાસીઓએ પાટા પર ચાલવું ન જોઈએ. આ વાત ઘા પર મીઠું ભભરાવવા જેવી છે અને ઘટનામાં જીવ ગુમાવનારી કચ્છી યુવતી હેલી મોમાયાના પિતાને પણ આવું જ લાગી રહ્યું છે.
તેમનું કહેવું છે કે મારી દીકરીના મૃત્યુ માટે માત્ર ને માત્ર રેલવે જવાબદાર છે અને આના માટે હું કાનૂની પર્યાયનો વિચાર કરીશ. સેન્ટ્રલ રેલવેના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક ગુરુવારની સાંજે બનેલી ઘટનામાં અંબરનાથ ફાસ્ટ લોકલે પાંચ પ્રવાસીને અડફેટે લીધા હતા, જેમાં માટુંગાની 19 વર્ષની હેલી મોમાયા અને મીરા રોડના સૂર્યકાંત નાઈકે જીવ ગુમાવ્યાં હતાં, જ્યારે અન્ય બે જણ ઘવાયા હતા. જખમીઓમાંથી બેને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને જખમીઓને જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. હૉસ્પિટલની કાર્યવાહી પછી હેલીનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. શુક્રવારે તેના શબના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આપણ વાચો: પાડાના વાંકેઃ રેલ કર્મચારીના આંદોલનને કારણે લોકલ ટ્રેન સેવા અટકી, પ્રવાસીઓ રઝળ્યાં
ઉલ્લેખનીય છે કે આ કમકમાટીભરી ઘટના માટે જવાબદાર કોણ એવો પ્રશ્ર્ન રેલવેના અધિકારીને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કોઈ પણ સંજોગોમાં પ્રવાસીઓએ ટ્રેનમાંથી ઊતરીને પાટા પર ન ચાલવું જોઈએ અને આ અંગે રેલવે દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે, એવો જવાબ આપ્યો હતો. આવા જવાબ સામે હેલીના પિતા પ્રિયેશ મોમાયાએ સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે આ ઘટના માટે રેલવે જ જવાબદાર છે.
પ્રિયેશભાઈએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ખાસ્સો સમય સુધી ટ્રેન એક જ જગ્યાએ ઊભી હોય અને પછી એવી જાણ થાય કે કર્મચારીઓએ હડતાળ કરીને ટ્રેનો બંધ કરી છે તો પ્રવાસીઓ પોતપોતાના સ્થળે જવા માર્ગ શોધવા માંડે છે. અન્ય પ્રવાસીઓને ટ્રેનમાંથી ઊતરીને ચાલતા જોઈને હેલી પણ ઊતરી હશે.
હડતાળ પાછી ખેંચાઈ છે અને ટ્રેનો શરૂ થઈ રહી છે એ અંગે પણ રેલવેએ તાત્કાલિક પ્રવાસીઓને જાણ કરવી જોઈતી હતી અથવા એનાઉન્સમેન્ટ કરવી જોઈતી હતી. આ રેલવેની જ બેદરકારી છે, જેને કારણે મારી દીકરીએ જીવ ગુમાવ્યો છે. આ માટે હું રેલવે સામે એફઆઈઆર નોંધાવવાનો વિચાર કરી રહ્યો છું.
માટુંગા પૂર્વના આંબેડકર રોડ પરની ઈમારતમાં રહેતી હેલી ફોઈ ખુશ્બૂ મોમાયા સાથે ગુરુવારની સાંજે દક્ષિણ મુંબઈના કાલા ઘોડા પરિસરમાં આવવા ઘરેથી નીકળી હતી. આ ઘટનામાં ખુશ્બૂ મોમાયા ઘાયલ થયાં હતાં. સોમૈયા કૉલેજના બીએના બીજા વર્ષમાં ભણતી હેલીનો 17 સપ્ટેમ્બરે જન્મદિન હતો.



