મુંબઇ પર કુદરત રૂઠી, ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ
મુંબઈએ તેના ઈતિહાસમાં બીજો સૌથી વધુ વરસાદવાળો જુલાઇ મહિનો જોયો છે. જુલાઇ મહિનો પૂરો થવાને હજુ એક સપ્તાહ બાકી છે અને અત્યાર સુધીમાં 170 સેમીથી વધુ વરસાદ નોંધાઇ ગયો છે.
મુંબઈની સાથે-સાથે ઉપનગરોમાં ગઈકાલથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદનું જોર વધી ગયું છે અને હવામાન વિભાગે મુંબઈમાં દિવસભર ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્રમાં વિરોધી ચક્રવાતી પવનોની સંયુક્ત અસરના પરિણામે વરસાદમાં વધારો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “કોંકણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્રના જિલ્લાઓમાં ઘાટ ક્ષેત્રમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.” તેમણે વધુમાં ચેતવણી આપી છે કે આગામી 3 4 કલાકમાં મુંબઈ, થાણે, રાયગઢ અને પુણેના ઘાટોના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ તીવ્ર વરસાદની સંભાવના છે.
મુંબઇની વાત કરીએ તો શહેરના દાદર, વરલી, લાલબાગ, ભાયખલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપનગરો પણ ભારે વરસાદથી ત્રાહિમામ પોકારી ગયા છે. દરમિયાન હવામાન વિભાગે આજે મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ભારે વરસાદને કારણે અંધેરી સબ-વેમાં પાણી ભરાઇ જવાથી તેને બંધ કરવામાં આવ્યો છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ત્રણેય લાઇન પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. લોકલ 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે. જેથી આજે નોકરીયાત વર્ગને કચેરીએ પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી છે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મુંબઈ, પુણે અને થાણેના વિભાગીય કમિશનરો અને અન્ય અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી અને સતર્કતા જાળવવા અને બચાવ અને રાહત કાર્ય માટે સૂચનાઓ આપી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
રાજ્યના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થાનિક વહીવટીતંત્રે ગુરુવારે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી. પાલઘરના વાડા અને વિક્રમગઢ સબ-ડિવિઝન માટે સમાન આદેશ જારી કરવામાં આવ્યો છે.
ભારે વરસાદને પગલે એર ઇન્ડિયાએ તેના પ્રવાસીઓ માટે એડવાઇઝરી જારી કરી છે અને તેમને એરપોર્ટ પહોંચવા માટે ઘરેથી વહેલા નીકળવા જણાવ્યું છે.
Also Read –