મુંબઈમાં થયેલી અતિવૃષ્ટિથી ગણેશમંડળોને નુકસાન | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં થયેલી અતિવૃષ્ટિથી ગણેશમંડળોને નુકસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સતત પાંચ દિવસ પડેલા મુશળધાર વરસાદને પગલે જુદા જુદા વિસ્તારમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગણેશમંડળોએ બાંધેલા મંડપોને મોટા પાયા પર નુકસાન થયું છે. મંડપોને નુકસાન થવાની સાથે જ તેની આજુબાજુ ભરાયેલા પાણીને કારણે મચ્છરોની ઉત્પત્તિ થવાની શક્યતા હોવાથી પાલિકાએ તાત્કાકિ ધુમાડો કરવો એવી માગણી સાર્વજનિક ગણેશમંડળોએ કરી છે.

મુંબઈમાં ગણેશોત્સવ નજીક હોઈ અનેક ગણેશમંડળોની મોટી ગણેશમૂર્તિનું આગમન મંડપમાં થઈ ગયું છે પણ મુંબઈમાં ગયા શુક્રવારથી સતત પડેલા વરસાદને કારણે મંડપના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. વરસાદનું જોર ઓસરી ગયું છે પણ મંડપની આજુબાજુ પાણી ભરાઈ જવાને કારણે કીચડ થવાની સાથે જ તે પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થવાની શક્યતા વધી ગઈ છે. તેથી બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્યવય સમિતીએ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે મંડપોની આજુબાજુ ધુમાડો કરવાની માગણી કરી છે.

લાઉડસ્પીકર માટે વધુ એક દિવસની માગ

હાઈ કોર્ટના નિર્દેશ અનુસાર ધ્વની પ્રદૂષણ નિયમ ૨૦૦૦ હેઠળ કેન્દ્ર સરકારે દરેક રાજ્યને ૧૫ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી આપી છે. મંજૂરીમાં ધ્વનીની મર્યાદા દિવસના પંચાવન ડેસીબલની અને રાતના ૪૫ ડેસીબલની છે. ૨૦૧૩ સુધી સમિતીની માગણી મુજબ ગણેશોત્સવ દરમ્યાન રાતના ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મળતી હતી, જે ગણેશવિસર્જનના દિવસ સુધી મર્યાદિત છે. એટલે કે દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને અનંત ચતુર્દશી આ ચાર દિવસ માટે છે. બાકીના ૧૫ દિવસમાંથી બાકીના નવ દિવસ અલગ અલગ તહેવારો માટે લાઉડસ્પીકરની મંજૂરી છે. ૨૦૧૪થી બાકી રહેલા બે દિવસમાંથી એક દિવસ પોલીસ વિભાગના કાર્યક્રમ માટે અને બાકીનો એક દિવસ ગણેશોત્સવને સ્થાનિક કાર્યક્રમ, નાટક, ભજન વગેરે માટે આપવાની માગણી છેલ્લા ૧૧ વર્ષથી કરવામાં આવી રહી છે.

ગણપતિબાપ્પા માટે ઘરબેઠા મોદક મળશે

સાર્વજનિક શ્રીગણેશોત્સવ માટે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત મહિલા બચત ગટ તરફથી ‘મોદક મહોત્સવ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈગરાને તેમના લાડકા ગણપતિબાપ્પા માટે ઘરબેઠા મોદકની ડિલીવરી મળશે. પાલિકાના આ મોદક મહોત્સવ અંતર્ગત https://shgeshop.com વેબસાઈટ પર ૨૧ ઑગસ્ટ ૨૦૨૫થી ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫ દરમ્યાન મુંબઈગરા મોદક માટે રજિસ્ટ્રેશન કરી શકશે. ઓનલાઈન રજ્સ્ટ્રિેશન કર્યા બાદ ગણેશોત્સવના પહેલા જ દિવસે એટલે કે ૨૭ ઑગસ્ટના મોદક ઘરે પહોંચાડવામાં આવશે

થાણેમાં ગણેશોત્સવ મંડળોને રાહત

થાણેમાં સાર્વજનિક ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ મંડળો તરફથી પાલિકા અને પોલીસ દ્વારા મંડપ બાંધવા માટે વસૂલ કરવામાં આવતી ફીને રદ કરવાની માગણી કરવામાં આવી હતી. સ્થાનિક સાંસદે પણ થાણે, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકા અને અંબરનાથ પાલિકાને ફી રદ કરવાની માગણી કરતો પત્ર લખ્યો હતો. મંડળોની માગણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને આગામી ગણેશોત્સવ અને નવરાત્રી મંડળો પાસેથી વસૂલ કરવામાં આવતી મંડપ ફીને માફ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયથી અંબરનાથ, ઉલ્હાસનગર, વિઠ્ઠલવાડી, કલ્યાણ-ડોંબિવલી, ઠાકુર્લી કોપર, દિવા, કલવા, મુંબ્રા તેમ જ થાણેના મંડળોને રાહત મળશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button