દિવાળીની ઊજવણીમાં વરસાદનું વિધ્ન…

મુંબઈ સહિત રાજ્યમાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સાંજના બરોબર દિવાળીની દિવસે અચાનક આવી પડેલા વરસાદને કારણે મુંબઈગરાની ઊજવણી પર પાણી ફરી વળ્યું હતું. સાંજના લક્ષ્મીપૂજા કરવાના સમયે તથા દિવાળીની ખરીદી માટે બહાર નીકળેલા લોકોને વરસાદને કારણે હેરાનગતીનો સામનો કરવો પડયો હતો. મુંબઈ, થાણે સહિત રાજ્યના મોટાભાગ વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે આવી પડેલા વરસાદને કારણે દિવાળીની તૈયારી અને લોકોની ખરીદીને ફટકો પડયો હતો.
મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાદિળયું વાતાવરણ જણાઈ રહ્યું હતું. વાદળિયા વાતાવરણ વચ્ચે સાંજના પાંચ વાગ્યા બાદ વાતાવરણમાં એકદમ પલટો આવ્યો હતો. પવન ફૂંકાવાની સાથે ધુળિયા વાતાવરણ વચ્ચે છ વાગ્યા બાદ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં વરસાદના મધ્યમથી ભારે વરસાદ ચાલુ થઈ ગયો હતો.
મુંબઈ સહિત, થાણે, નવી મુંબઈ, બદલાપુર સહિતના મુંબઈ મેટ્રોપોલિટ રિજનમાં પવન ફૂંકાઈને વરસાદના જોરદાર ઝાપટાં પડવાનું ચાલુ થઈ ગયું હતું. રાજ્યમાં પણ કોલ્હાપૂર, જાલના, રાયગઢ, નાંદેડ સહિતના વિસ્તારમાં અચાનક આવી પડેલા વરસાદને કારણે ઘરની બહાર કાઢેલી રંગોળી પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. ખરીદી માટે બહાર નીકળેલા મુંબઈગરા વરસાદને કારણે ભીંજાઈ ગયા હતા.
દાદર, બાન્દ્રા, પવઈ, ભાયખલા, કુર્લા જેવા વિસ્તારમાં સાંજ બાદ પવન ફૂંકાવાની સાથે જ મધ્યમથી મુશળધાર વરસાદ પડયો હતો. નવી મુંબઈમાં પણ અનેક વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ પડયો હતો, જેમાં નેરુલ, બેલાપૂર, વાશી, સીવુડ્સ. સાનપાડા અને ઘણસોલીમાં ભારે વરસાદ પડયો હતો.
મુંબઈમાં સાંજના છથી સાત વાગ્યા દરન્યાન ધારાવીમાં ૧૯ મિલીમીટર, સાયનમાં ૧૬ મિ.મી., દાદરમાં ૧૦ મિ.મી., ચેમ્બુરમાં ૧૪ મિ.મી, પવઈમાં ૧૧ મિ.મી., ગવનપાડામાં ૧૦ મિ.મી., ગોરેગામમાં ૧૬ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.
મુંબઈમાં અચાનક આવી પડેલા વરસાદને કારણે જોકે ગરમી અને ઉકળાટથી થોડી રાહત મળી હતી.
મુંબઈમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી તાપમાનનો પારો સતત ૩૫ ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. મંગળવાળે પણ દિવસનું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી જ નોંધાયું હતું પણ સાંજના વરસાદના ઝાપટાં બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. તો પ્રદૂષણમાં પણ હળવો ઘટાડો જણાયો હતો.
મુંબઈ સહિત મહારાષ્ટ્ર વાતાવરણમાં પલટો આવ્યો છે એ બાબતે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અચાનક આવી પડેલા વરસાદ માટે બે પરિબળોને કારણ માનવામાં આવે છે, જેમાં એક તો મહારાષ્ટ્રના નીચલા સ્તરોમાં પૂર્વીય તરફથી આવી રહેલો પવનો અને વાતાવરણમાં રહેલા ભેજને કારણે ચક્રવાત જેવી પરિસ્થિતિ સર્જાથઈ તેને કારણે આંતરિક મહારાષ્ટ્ર અને કોંકણમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
તો બંગાળની ખાડીમાં નિર્માણ થયેલા સાયક્લોનિક એર સર્ક્યુલેશનની અસર હેઠળ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વેધર સિસ્ટમમાં થયેલા ફેરફારને કારણે મહારાષ્ટ્ર તરફ વધુ ભેજ આવશે, જેને કારણે વરસાદની સ્થિતિ સર્જાશે. આગામી બેથી ત્રણ દિવસ મુંબઈમાં તાપમાન સામાન્ય રહેશે અને ત્યારબાદ પારો નીચે ઉતરશે. મમરાઠવાડા, વિદર્ભ અને કોંકણ વિસ્તાર માટે યલો અલર્ટ હોઈ વીજળીના ગડગડાટ સાથે પવન ફૂંકાઈને વરસાદ પડી શકે છે.