મુંબઈગરાઓ તૈયાર રહેજોઃ આ દિવસોમાં ફરી ધોધમાર વરસાદ પડવાની શક્યતા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈગરાઓ તૈયાર રહેજોઃ આ દિવસોમાં ફરી ધોધમાર વરસાદ પડવાની શક્યતા

મુંબઈઃ થોડા દિવસો પહેલા જ મુંબઈમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. શહેરના મોટાભાગના રસ્તાઓ નદીમાં ફેરવાય ગયા હતા અને લોકલ ટ્રેનસેવાઓને ભારે અસર થતાં જનજીવન ખોરવાયું હતું. લગભગ એકાદ અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે ત્યારે હવે ફરી વાદળો બંધાઈ રહ્યા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં હજુ એક રાઉન્ડ વરસાદનો હશે અને ખૂબ જ ભારે વરસાદ હજુ રાજ્યના ઘણા ભાગોમાં પડી શકે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

આ ત્રણ દિવસો છે ભારે

મહારાષ્ટ્રમાં આ વખતે ચોમાસું વહેલુ આવ્યું અને ખૂબ જ ભારે વરસાદ રાજ્યના મોટાભાગના પંથકોમાં પડ્યો છે. વિદર્ભ અને મરાઠવાડામાં ભારે વરસાદને લીધે ખેતીને પણ ઘણું નુકસાન ગયું છે. ત્યારે ફરી આવતા અઠવાડિયે એટલે કે 16,17 અને 18 સપ્ટેમ્બરે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસશે, તેવી આગાહી છે. આ દિવસોમાં વરસાદ સાથે ભારે પવન અને વીજળીના કડાકાની પણ આગાહી છે. ખેડૂતોને તેમના ખેતીના કામ પૂરા કરી લેવા અને આ સમય દરમિયાન ખૂબ સાવચેતી વરતવા જણાવ્યું છે.

મુંબઈ-થાણે સહિત પૂણે, લાતૂર, પરભણી, નાશિક, સાતારા, નાંદેડ વગેરે જિલ્લામાં વરસાદની પૂરી સંભાવના છે. અગાઉ થયેલા વરસાદને લીધે મોટાભાગના જળાશયોમાં પાણી છે. આથી આ જળાશયો હવે વધારે પાણી લઈ શકશે નહીં. બીજી બાજુ પીવાના પાણી અને ઘાસચારાની હવે સમસ્યા આખું વર્ષ નહીં નડે તેટલો વરસાદ વરસી ગયો છે, આથી તો વધારે પડતો વરસાદ વરસ્યો તો અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી થશે. આ બધી સંભાવનાઓ વચ્ચે હવે 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન લોકોએ અને તંત્રએ સાબદા રહેવાનું છે.

આપણ વાંચો:  પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરોની મિલકતની હરાજી…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button