બોમ્બે હાઇ કોર્ટમાં મરાઠા અનામત પર સુનાવણી, OBC કમિશનના રિપોર્ટ પર સવાલ
મુંબઈ: મરાઠા સમાજના યુવાનોને શિક્ષણની જેમ સરકારી નોકરીમાં પણ અનામતની જરૂર હોવાનું દર્શાવતા આંકડા ધરાવતો અહેવાલ બોમ્બે હાઇ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેની વિરુદ્ધ એક અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્ર ઓબીસી કમિશન દ્વારા અદાલતમાં દાખલ કરવામાં આવેલા અહેવાલમાં દર્શાવાયેલા આંકડા ગેરમાર્ગે દોરનારા હોવાનું હાઇ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું.
કમિશન દ્વારા મરાઠા સમાજના આંકડા ઓછા દર્શાવવામાં આવ્યા હોવાનું અને તે ભરોસાપાત્ર ન હોવાની દલીલ વરિષ્ઠ વકીલ પ્રદિપ સંચેતીએ હાઇ કોર્ટની ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય, જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને ફિરદોશ પુનીવાલાની બેન્ચ સમક્ષ કરી હતી.
આ પણ વાંચો : Maratha Reservation: મરાઠા સમાજ અનામતને પાત્ર, હાઈ કોર્ટમાં MMCBCએ કરી રજૂઆત
અરજદાર તરફથી હાજર રહેલા વકીલે દલાલ કરતા જણાવ્યું હતું કે મરાઠા સમાજમાં આત્મહત્યાનો આંકડો ગેરમાર્ગે દોરનારો છે. કરજના બોજાના કારણે મરાઠા સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું હોવાનો દાવો ખોટો છે. આત્મહત્યાનું પ્રમાણ વધુ દાખવીને અસામાન્ય પરિસ્થિતિ દેખાવવાનો પ્રયાસ અહેવાલમાં કરવામાં આવ્યો છે.
હાઇ કોર્ટે આ અરજીની સુનાવણી 26 ઓગસ્ટ સુધી મોકૂફ રાખી હતી. અરજદારે કરેલી દલીલ બાદ કમિશન દ્વારા હાઇ કોર્ટમાં શું દલીલ કરવામાં આવે છે, તે આ અરજીની સુનાવણી દરમિયાન મહત્ત્વનું સાબિત થશે.