મુંબઈ: સાયનમાં આવેલી મુંબઈ નગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક હૉસ્પિટલની આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. 1200 બેડ સાથે સોનોગ્રાફી, ડાયાલિસિસ અને અન્ય તબીબી સેવાઓમાં વધારો કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોને મળ્યા અને તેમને આપવામાં આવતી આરોગ્ય સેવા વિશે જાણકારી મેળવી.
મુંબઈ મનપા દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાનની શરૂઆત બાદ મુખ્ય પ્રધાન શિંદેએ રવિવારે સાયન હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાને ટ્રોમા આઈસીયુ, જનરલ વોર્ડ, વોર્ડ નંબર ચારનું નિરીક્ષણ કર્યું હતું અને દર્દીઓની ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે દર્દીઓ અને તેમના પરિવારજનોને પૂછ્યું કે શું તેમને દવાખાનામાં દવાઓ મળે છે કે બહારથી લાવવી પડે છે? સારવાર કેવી રીતે ચાલી રહી છે અને શું તમને સમયસર ભોજન મળે છે?
આ દરમિયાન તેઓ હૉસ્પિટલના રસોડામાં પણ પહોંચ્યા હતા અને ત્યાંના ખાદ્ય પદાર્થોનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય પ્રધાને કહ્યું કે સાયન હૉસ્પિટલમાં 200 બેડનું સઘન સંભાળ એકમ છે અને 1,000 બેડના જનરલ વોર્ડનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે, જે 1,200 નવા બેડ પ્રદાન કરશે. મુખ્ય પ્રધાને હૉસ્પિટલ પ્રશાસનને સાયન હૉસ્પિટલમાં ચાલી રહેલા કામને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. હૉસ્પિટલમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે અને તે સમય મર્યાદામાં પૂર્ણ થવી જોઈએ.