લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના ઝઘડામાં મધ્યસ્થી કરનારા ફેરિયા પર છરીથી હુમલો
મુંબઈ: લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓ અને એક પુરુષ વચ્ચેના ઝઘડામાં મધ્યસ્થી કરનારા ફેરિયા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી પ્રવાસીઓએ આરોપીને ધિબેડી નાખ્યો હતો. જખમી ફેરિયા અને આરોપીને બન્નેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના પશ્ર્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં બાન્દ્રા સ્ટેશન નજીક બુધવારની બપોરે બની હતી. સચિન ધારોલિયા (24) તેના સાળા જિતેશ અંબાલિયા સાથે મહિલાઓના ડબ્બામાં ચૉકલેટ્સ વેચતો હતો. તે સમયે અમુક મહિલા પ્રવાસીઓ અને આરોપી પ્રદીપ ક્ષત્રિય (49) વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. ઝઘડો શાંત પાડવા માટે સચિને મધ્યસ્થી કરી હતી.
આ પણ વાંચો: બે પરિવાર વચ્ચેના ઝઘડામાં કોન્ટ્રેક્ટરના ભાઇની ગળું દબાવી હત્યા: પાંચ પકડાયા
કહેવાય છે કે મામલો શાંત પડવાને બદલે વધુ વકર્યો હતો. આરોપી પ્રદીપે મધ્યસ્થી કરનારા સચિનના પેટ પર છરી હુલાવી હતી અને માથા પર લાકડું ફટકાર્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
આ હુમલાને કારણે પ્રવાસીઓએ આરોપીને ફટકાર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. બાન્દ્રા રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ટ્રેનમાં પ્રવેશી હતી. ગંભીર રીતે ઘવાયેલા સચિનને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. સારવાર માટે તેને આઈસીયુમાં દાખલ કરાયો હતો. પ્રવાસીઓની મારપીટથી ઘવાયેલા પ્રદીપને પણ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ પ્રકરણે પ્રદીપ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિત ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી આરોપીની ધરપકડ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)