મહારાષ્ટ્ર પર વધ્યો દેવાનો બોજ: શું લોકપ્રિય યોજનાઓ જવાબદાર છે?
'લાડકી બહેન' જેવી લોકપ્રિય યોજનાઓ રાજ્યની તિજોરી પર બોજ વધારી રહી છે, દેવું 9 લાખ કરોડને પાર પહોંચવાની શક્યતા.

મુંબઈ: ચૂંટણી વખતે નેતાઓ જાતજાતની યોજનાઓની જાહેરાત કરતા હોય છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે લાડકી બહેન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જે ખૂબ લોકપ્રિય થઇ હતી, પરંતુ હવે, લાડકી બહેન યોજના સહિત અન્ય લોકપ્રિય યોજનાઓને કારણે મહારાષ્ટ્ર પર દેવાનો બોજ વધ્યો હોય તેવું લાગે છે.
આ વર્ષના અંત સુધીમાં રાજ્યનો દેવાનો બોજ 9 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. ચૂંટણીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી યોજનાઓની જાહેરાત અને કથળેલી નાણાકીય પરિસ્થિતિને સુધારવાના કારણે દેવાનો બોજ વધી રહ્યો હોવાના અહેવાલ છે.
જૂનમાં દેવું 8,55,397 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું
જૂનના અંત સુધીમાં દેવું 8,55,397 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. રાજ્ય સરકારે આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 24,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેથી, નાણા વિભાગે અંદાજ લગાવ્યો છે કે આ નાણાકીય વર્ષમાં 9,42,242 કરોડ રૂપિયાનું દેવું થવાની સંભાવના છે.
આપણ વાંચો: ફડણવીસે ‘ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ શરૂ કર્યું, વડા પ્રધાનને યોજના માટે અભિનંદન આપ્યા
યોજનાઓનો બોજ તિજોરી જ નહીં, નાણાકીય સ્થિતિ પર પડી
રાજ્ય સરકાર તેના કુલ ઘરેલુ ઉત્પાદનના 25 ટકા સુધી લોન લઈ શકે છે, અત્યાર સુધીમાં તેણે 18 ટકા લોન લીધી છે. આ વર્ષના અંત સુધીમાં, રાજ્ય સરકારે લોન પર વ્યાજ તરીકે 64,659 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તેથી, લાડકી બહેન યોજના સહિત અન્ય લોકપ્રિય યોજનાઓની જાહેરાત રાજ્ય પર દેવાનો બોજ વધારી રહી હોય તેવું લાગે છે.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ વારંવાર આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. હવે એવું બહાર આવ્યું છે કે આ યોજનાઓનો બોજ ફક્ત તિજોરી પર જ નહીં, પણ રાજ્યની નાણાકીય સ્થિતિ પર પણ પડી રહ્યો છે.
મરાઠવાડામાં 1.25 લાખ મહિલાઓના લાભ બંધ
મરાઠવાડામાં 1.25 લાખ લાડકી બહેનોના લાભ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. આઠ જિલ્લાઓમાં 65 વર્ષથી વધુ ઉંમરના 1,33,335 લોકોની અરજીની તપાસ કરવામાં આવી. બાદમાં, એવું બહાર આવ્યું કે 65 વર્ષથી વધુ ઉંમરની લાભાર્થી મહિલાઓએ નકલી દસ્તાવેજો તૈયાર કરીને લાભ મેળવ્યો હતો ત્યાર બાદ સરકારે આ નિર્ણય લીધો છે.