દાદર સ્ટેશનની બહારનું હનુમાન મંદિર નહીં તોડાય ભારે હોબાળા પછી રેલવેની નોટિસ…

મુંબઈ: દાદર રેલવે સ્ટેશનની બહાર આવેલા ૮૦ વર્ષ જૂના હનુમાન મંદિરને તોડી પાડવા માટે રેલવે દ્વારા નોટિસ અપાઇ હતી. આ પ્રકરણે રાજકારણ ખાસ્સું ગરમાયું હતું. શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે ભાજપની આકરી ટીકા પણ કરી હતી અને કહ્યું હતું કે ‘એક હૈ તો સેફ હૈ’ એવા નારા લગાવો છો, પણ અહીં મંદિરો પણ સુરક્ષિત નથી. આ દરમિયાન શનિવારે મંદિર તોડી પાડવાની નોટિસ પર રેલવે દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : લાડકી બહેન યોજના પર અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા છે? મહત્વની માહિતી …
હનુમાન મંદિરને નોટિસ મળ્યા બાદ વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ આ મામલે દખલગીરી કરી હતી અને રેલવે પ્રધાન સાથે આ મુદ્દે ચર્ચા બાદ નોટિસ સામે સ્ટે મૂકવામાં આવ્યો હતો. આ સિવાય હનુમાન મંદિરમાં નિત્યપૂજા અને આરતી શરૂ જ રહેશે એમ તેમણે કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપને લક્ષ્ય બનાવતા હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો, પણ ભાજપે પણ ઉદ્ધવ ઠાકરેને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે ૨૦૧૯માં સત્તા મેળવવા માટે હિન્દુત્વને તરછોડીને તેમને કૉંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું.
મંદિરને આપવામાં આવેલી નોટિસ પર સ્ટે આપ્યા બાદ ભાજપના નેતાઓ તરફથી કહેવામાં આવ્યું છે કે હવે કોઇ મંદિર તોડી નહીં પડાય. ધાર્મિક બાબતે રાજકારણ થવું જોઇએ નહીં. જે મંદિરો જૂનાં છે તેને કોઇ પાડશે નહીં. દરેક મંદિર બચાવવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સક્રિય છે.
મંદિરની બહાર ઉદ્ધવ-સેના અને ભાજપના કાર્યકરો સામસામા
રેલવેએ નોટિસ પાછી ખેંચી તે અગાઉ શિવસેના-યુબીટીના કાર્યકરો અને ભાજપના નેતાઓ આમનેસામને આવી ગયા હતા. ઠાકરે જૂથના કાર્યકરોએ ભાજપી નેતાઓ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસને દખલગીરી કરીને મામલો ઠંડો પાડવાની ફરજ પડી હતી.
દાદરના હનુમાન મંદિરને નોટિસ મળ્યા બાદ ઉદ્ધવ જૂથ દ્વારા આ મુદ્દાને હિન્દુત્વ સાથે જોડીને ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ મંદિરમાં પહોંચતા જ ઠાકરેના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું.
પાલિકાની ચૂંટણી નજીક આવી હોવને કારણે ઠાકરે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં તેમની જોરદા હાર થઇ છે. હનુમાન ચાલીસાનું પઠન કરનારાઓને જેલમાં નાખ્યા હવે હનુમાનના ચરણે જ આવવું પડ્યું, એમ એક ભાજપી નેતાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : આજથી મુંબઈમાં બે દિવસ ડેબ્રીઝ ક્લીનિંગ ઝુંબેશ
ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે ભાજપનો હિન્દુત્વનો ઢોંગ છતોે કર્યો હતો અને એક દિવસમાં જ રેલવેને નોટિસ પાછી ખેંચવી પડી, એવી ટીકા શિવસેના-યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ કરી હતી.