ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ વચ્ચેનો હૅંન્કૉક બ્રિજનું બાકી રહેલું કામ જલદી પૂરી થશે: પાલિકા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ વચ્ચે આવેલો હૅંન્કૉક બ્રિજનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં એપ્રોચ રોડના કામ આંશિક રીતે અધૂરા રહી ગયા છે. નવા રોડ એલાઈનમેન્ટથી પૂર્વ બાજુના અનેક કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને અસર થઈ હતી, તેને કારણે ત્રણ વર્ષથી વધુ સમયનો વિલંબ થયો હતા. પાલિકા પ્રશાસન હવે અસરગ્રસ્ત એસ્ટાબ્લિશમેન્ટ માટે તાત્કાલિક પુનર્વસન અને બાકીનું કામ પૂર્ણ કરવા માટે પ્રાથમિકતાને આધારે ટેન્ડર બહાર પાડવાની છે.
દક્ષિણ મુંબઈમાં મઝગાંવ અને ડોંગરીને જોડનારો હૅંકૉક બ્રિજ જોખમી જાહેર થયા બાદ મધ્ય રેલવે દ્વારા જાન્યુઆરી ૨૦૧૬માં તેને તોડી પાડવામાં આવ્યો હતો. આ પુલનું પુર્ન બાંધકામ પાલિકા દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૦માં પૂરું કરવામાં આવ્યું હતું. તો ઑગસ્ટ, ૨૦૨૨માં બ્રિજની એક બાજુ વાહનવ્યહાર માટે ખુલ્લી મૂકવામાં આવી હતી પણ અમુક ટેક્નિકલ અડચણ અને કાનૂની સમસ્યાને કારણે બ્રિજના બાકીના કામ ખોરવાઈ ગયા છે.
તેની પાર્શ્ર્વભૂમિ પર બ્રિજના બાંધકામને લઈને એડિશનલ કમિશનર (પ્રોેજેક્ટ) અભિજિત બાંગર અને ટ્રાફિક પોલીસ વચ્ચે તાજેતરમાં એક સમીક્ષા બેઠક થઈ હતી. આ બેઠકમાં પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, બાકી રહેલા કામ પૂર્ણ કરવા માટે વ્યૂહરચના, મ્હાડા સેસ બિલ્ડિંગ, ગાળાધારકનું પુનર્વસન જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
અભિજિત બાંગરે જણાવ્યું હતું કે રેલવે હદમાં પુલનું બાંધકામ પૂર્ણ થયું છે જ્યારે બંને બાજુના એપ્રોચ રોડ આશિંક રીતે પૂર્ણ થયા છે. પુલની પશ્ર્ચિમ બાજુએ મ્હાડાની બિલ્ડિંગ, કમર્શિયલ એસ્ટબ્લિશમેન્ટ વગેરે છે તેમના પુનર્વસન બાકી છે. પાલિકા અને મ્હાડા તેમની સંબંધિત પોલિસી મુજબ આ મુદ્દાનો ઉકેલ જલદી લાવે તે જરૂરી છે.
આસિસ્ટટ કમિશનરે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે પુનર્વસન સંબંધિત તમામ મુદ્દાનું નિરાકરણ જલદી લાવવામાં આવે. પુલ સુધી પહોંચવાના એપ્રોચ રોડનું કામ જેમાં ઉપલબ્ધ રસ્તાની પહોળાઈનું મૂલ્યાંકન, જરૂરી પહોળાઈ અને સંબંધિત કામનો સમાવેશ થાય છે.
આ દરમ્યાન અમુક ભાડૂતોએ બોમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો છે અને તેણે સ્ટે ઓર્ડર આપ્યો છે. સ્ટે ઓર્ડર હટાવવા માટે પાલિકા નિષ્ણાત કાયદાકીય નિષ્ણાતોની મદદ લેવાની છે.



