હજ યાત્રાની વ્યવસ્થાને નામે 20 લાખ રૂપિયા પડાવ્યા: ત્રણ વિરુદ્ધ ગુનો

થાણે: પરિવાર માટે હજની યાત્રાની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપીને ફરિયાદી સાથે 20 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ટ્રાવેલ એજન્સીના ત્રણ માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
થાણે જિલ્લાના મુંબ્રા પરિસરમાં રહેતા 53 વર્ષના ફરિયાદીએ આ પ્રકરણે રવિવારે મુંબ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર કથિત છેતરપિંડી 2018થી 2019 દરમિયાન થઈ હતી. જોકે મોડી ફરિયાદ નોંધાવવાનું કોઈ કારણ સ્પષ્ટ કરાયું નહોતું.
આપણ વાચો: ગુજરાત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 200 કરોડની છેતરપિંડી કેસમાં 6 ની ધરપકડ
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપી મુંબ્રાના અમૃત નગરમાં ટ્રાવેલ એજન્સી ચલાવે છે. ફરિયાદીએ આરોપીની એજન્સીમાં પોતાના અને પરિવાર માટે હજ યાત્રા માટે બુકિંગ કરાવ્યું હતું.
આ માટે તેણે 20.15 લાખ રૂપિયા આરોપીને આપ્યા હતા. જોકે બાદમાં આરોપીઓએ હજ યાત્રાની કોઈ વ્યવસ્થા કરી નહોતી અને રૂપિયા પણ પાછા આપ્યા નહોતા, એવું મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે ફરિયાદને આધારે પોલીસે રવિવારે ત્રણ આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406 અને 34 હેઠળ ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)
 


