ધોધ પરથી છલાંગ મારવી પડી મોંઘી, ગુમાવ્યો જીવ
મુંબઈ: આકરી ગરમીના દિવસો ચાલી રહ્યા છે. ભયંકર લુ વાઇ રહી છે. એવામાં ગામ વિસ્તારમાં બાળકો નજીકના નદી, તળાવમાં નહાવા પડીને ગરમીનું મારણ અજમાવતા હોય છે. પણ મહારાષ્ટ્રના પાલઘરમાં ધોધ પરથી છલાંગ મારીને પાણીમાં નહાવા પડવાનું બે યુવકોને મોંઘું પડ્યું છે. અહીં બે યુવકોએ ધોધની 120 ફૂટની ઊંચાઈએથી પાણીમાં છલાંગ લગાવી હતી. આ પછી, એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બીજાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પાલઘરના જાવર વિસ્તારના પ્રખ્યાત ડભોસા ધોધમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય યુવકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હકીકતમાં આ ઘટના રવિવારે બની હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ કેટલાક યુવકો નહાવા માટે ધોધ પર ગયા હતા. આ દરમિયાન બે યુવકો 120 ફૂટની ઊંચાઈએ આવેલા ધોધ પરથી છલાંગ લગાવવા ઉપર ચઢ્યા હતા. થોડો સમય લીધા પછી, બંને ત્યાંથી કૂદી પડે છે. જ્યારે બંને પાણીમાં પડે છે ત્યારે જોરદાર અવાજ આવે છે. આ પછી, પાણીમાં થોડી સેકંડ માટે વસ્તુઓ શાંત રહે છે. તે બંને પાણીમાંથી બહાર આવતા નથી. જો કે, થોડા સમય પછી એક મિત્ર પાણીની બહાર આવે છે, જ્યારે બીજો બહાર આવતો નથી. આ સમગ્ર ઘટના યુવકના મિત્ર દ્વારા ફોનના કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી રહી હતી. આ ત્રીજો મિત્ર બીજા મિત્ર પાણીમાંથી કેમ બહાર નહીં આવ્યો તેની પૃચ્છા કરે છે. થોડી વારમાં જાણવા મળે છે કે બીજા મિત્રનું મોત થઇ ગયું છે. મૃતકની ઓળખ માઝ તરીકે થઇ છે. બચી ગયેલા અને સારવાર લઇ રહેલા યુવકની ઓળખ ઝોએબ તરીકે થઇ છે.