મુંબઇગરા સાવધાન! સ્વાઇન ફ્લૂનો વધતો કહેર… ત્રણ મહિનાના આંકડા છે ચિંતાજનક
મુંબઇ: મુંબઇમાં ડેંગ્યૂ, મલેરિયાના દર્દીઓની સંખ્યા ભલે ઓછી થઇ હોય, પણ ઓક્ટોબરના પહેલાં 22 દિવસમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી ગઇ છે. આ મહિનામાં મલેરિયાના 680, ડેંગ્યૂના 737 અને ગેસ્ટ્રોના 263 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સ્વાઇન ફ્લૂના 51 દર્દીઓ નોંધાયા હતાં. પાછલાં મહિનામાં આ સંખ્યા 18 જેટલી હતી. બીજી બાજુ કમળાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ આ મહિને 39 દર્દીઓ નોંધાયા હતાં. પાછલાં મહિનામાં આ સંખ્યા 63 હતી.
પાલિકાના આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ જુલાઇમાં મલેરિયાના 721, ઓગષ્ટમાં 1,080, સપ્ટેમ્બરમાં 313 અને ઓક્ટોબરમાં 680 દર્દીઓ નોંધાયા હતાં. લેપ્ટોના કેસીસની વાત કરીએ તો જુલાઇમાં 413, ઓગષ્ટમાં 301, સપ્ટેમ્બરમાં 73 અને ઓક્ટોબરમાં 22 દર્દીઓની નોંધ થઇ હતી. આ જ પ્રમાણે ડેંગ્યૂના જુલાઇમાં 685, ઓગષ્ટમાં 999, સપ્ટેમ્બરમાં 360 અને ઓક્ટોબરમાં 737 દર્દીઓ નોંધાયા હતાં.
ગોસ્ટ્રોની વાત કરીએ તો જુલાઇમાં 1767, ઓગષ્ટમાં 978, સપ્ટેમ્બરમાં 573 અને ઓક્ટોબરમાં 263 દર્દીની નોંધ થઇ હતી. કમળાના દર્દીઓની સંખ્યામાં જુલાઇની સરખામણીમાં ઓક્ટોબરમાં ઘટાડો નોંધાયો છે. જુલાઇમાં કમળાના 144 દર્દીઓ હતા જ્યારે આ સંખ્યા ઓગષ્ટમાં ઘટીને 103 થઇ હતી. સપ્ટેમ્બરમાં 63 અને ઓક્ટોબરમાં કમળાના 39 દર્દીઓ નોંધાયા હતાં. ચિકનગુનિયાની વાત કરીએ તો જુલાઇમાં 27, ઓગષ્ટમાં 35, સપ્ટેમ્બરમાં 31 અને ઓક્ટોબરમાં 24 દર્દીઓની નોંધ થઇ હતી.
મુંબઇ મહાનગરપાલિકા દ્વારા 1 થી 22 ઓક્ટોબર દરમીયાન ઘરે ઘરે જઇને સર્વે કરવામા આવ્યો હતો. જે અતંર્ગત પાલિકા દ્વારા 8,55000 ઘરોમાં સર્વે હાથ ધરાયો હતો. જેની કુલ જનસંખ્યા 42,75,000 છે. લેપ્ટોના ટેસ્ટ માટે 3,059 નમૂના ભેગા કરવામાં આવ્યા હતાં. કુલ 3,059 આરોગ્ય શિબિર પણ યોજાયા હતાં. કાર્યસ્થળે કુલ 57 સ્થળોએ સર્વે હાથ ધરાયો હતો.
આટલું પૂરતું નથી ત્યાં ઉંદરોનો ત્રાસ અને તેને કારણે બિમારીની પણ નોંધ થઇ હતી. ઉંદરોને કારણે અલગ અલગ બિમારી થઇ શકે છે. પાલિકા દ્વારા મૂષક નિયંત્રણ કાર્યક્રમ હેઠળ બે હજાર 742 ઉંદરોનો વિલય કરવામાં આવ્યો હતો. જ્યારે જંતુનાશક દવાનો ઉપયોગ કરી 504 ઉંદરોનો નાશ કરવામાં આવ્યો હતો. જાળામાં પકડવામાં આવેલ ઉંદરોની સંખ્યા બે હજાર 742 હતી. જ્યારે ઉંદરોને મારવાનું કામ જે સંસ્થાને આપવામાં આવ્યું હતું તેમણે 25 હજાર 970 ઉંદરોને માર્યા હતાં.