વસઈના ગુજરાતી પિતા-પુત્રએ ભાયંદરમાં ટ્રેન સામે ઝંપલાવ્યું
સીસીટીવી ફૂટેજમાં પિતા-પુત્ર એકબીજાનો હાથ પકડી વાતચીત કરતા ટ્રેક પર જતા નજરે પડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયંદર રેલવે સ્ટેશન નજીક બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં વસઈમાં રહેતા ગુજરાતી પિતા-પુત્રએ ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યાં હતાં. પ્લૅટફોર્મ પરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં પિતા-પુત્ર એકબીજાના હાથ પકડીને વાતચીત કરતા પાટા પર ઊતરતા હોવાનું નજરે પડે છે.
વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના સિનિયર ઈન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની સવારે 11.28 વાગ્યે બની હતી. વસઈ પૂર્વમાં વસંતનગરી સ્થિત રિંગ રોડ પરની ઈમારતમાં રહેતા હરીશ મહેતા (63) અને તેમના પુત્ર જય મહેતા (33)એ ભાયંદર સ્ટેશન બહાર કથિત આત્મહત્યા કરી હતી.
મળતી માહિતી અનુસાર શૅરબજારનું કામકાજ ધરાવતા હરીશભાઈ અને બેનર બનાવવાનું કામ કરતો જય સોમવારે સવારે ટ્રેનમાં વસઈથી ભાયંદર સ્ટેશને પહોંચ્યા હતા. પછી ચાલતાં ચાલતાં પ્લૅટફોર્મના છેડે પહોંચી પાટા પર ઊતર્યા હતા. સામેની દિશામાંથી આવતી લોકલ ટ્રેનને જોઈ પિતા-પુત્ર એકબીજાના હાથ પકડી પાટા પર માથું રાખી સૂઈ ગયા હતા.
પાટા પર બે વ્યક્તિને સૂતા જોઈ ડ્રાઈવરે ટ્રેનની ગતિ ધીમી કરી હતી. તેમ છતાં ટ્રેન પિતા-પુત્ર પર ફરી વળતાં ઘટનાસ્થળે જ બન્નેનાં મૃત્યુ થયાં હતાં. આ ભયાનક ઘટના પ્લૅટફોર્મ પર લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી.
પોલીસ અધિકારી ડાંગેના જણાવ્યા મુજબ એક વર્ષ અગાઉ જ જયનાં લગ્ન થયાં હતાં. પોસ્ટમોર્ટમ બાદ મંગળવારે બન્નેના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. કુટુંબીજનો શોકમાં હોવાથી મંગળવારે તેમનાં નિવેદન નોંધી શકાયાં નહોતાં. પરિણામે પિતા-પુત્રના આવા પગલા ભરવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું. પારિવારિક વિવાદને કારણે હતાશામાં આવું પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.