થાણેમાં GST ચોરીના રૅકેટનો પર્દાફાશ: એકની ધરપકડ
![gst scam; fake input tax credit india; gst department cracks down on bogus firms](/wp-content/uploads/2024/01/GST-officials-raid-offices-of-bogus-firms-involved-in-fake-ITC-claims.webp)
મુંબઈ: થાણેમાં છેતરામણા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના દાવા સાથે 26.92 કરોડ રૂપિયાના ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) ચોરીના રૅકેટનો પર્દાફાશ કરીને તેના ‘માસ્ટરમાઇન્ડ’ની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી કાપડિયા મહંમદ સુલતાને 18 જેટલી બોગસ કંપનીઓ સ્થાપી હતી, જેનો ઉપયોગ નકલી ઇન્વોઇસીસ ઊપજાવવા અને માલો તથા સેવાઓનો વાસ્તવિક પુરવઠો કર્યા વિના આઇટીસીનો દાવો કરવા માટે કરવામાં આવ્યો હતો, એમ સીજીએસટીના જોઇન્ટ કમિશનર અમિતકુમાર સિંહે જણાવ્યું હતું.
આ પણ વાંચો: GST ની આવકથી ગુજરાત સરકારને બખ્ખાં: જાન્યુઆરીમાં કલેક્શન 17 ટકા વધ્યું…
મીરા રોડના રહેવાસી સુલતાનની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તેણે વિવિધ લોકોને પૈસા આપીને તેમની અંગત માહિતી મેળવી હતી અને આધાર, પેન કાર્ડ તથા અન્ય કેવાયસી દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો હતો.
દસ્તાવેજો થકી તેણે જીએસટી માટે બોગસ કંપનીઓ રજિસ્ટર કરાવવા, બેન્ક ખાતાં ખોલાવવા, પ્રોક્સી લેણદેણમાં સહભાગી ડમી કંપનીઓનું નેટવર્ક નિર્માણ કરવા માટે ઠગાઇથી ઉપયોગ કર્યો હતો. બાદમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ અન્ય કંપનીઓને ઠગાઇથી પસાર કરાઇ હતી, જેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થયું હતું, એમ તેમણે કહ્યું હતું.
(પીટીઆઇ)