કોસ્ટલ રોડ ફરતે લીલુંછમ જંગલ બનાવો: સ્થાનિકોની ઓનલાઈન ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની ખુલ્લી જગ્યાઓ વિકસાવવા અને તેની જાળવણી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા ખાનગી સંસ્થાઓ સાથે સહયોગ કરવાની સંભાવનાને ચકાસી રહી છે, ત્યારે દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડ નજીક રહેતા સ્થાનિક રહેવાસીઓએ કોસ્ટલ રોડની આસપાસના ૭૦ હેકટર જ્ગ્યાના હરિયાળી બનાવવા માટે એક ઓનલાઈન પિટિશન કરી છે. આ પિટિશનમાં મુંબઈના દરિયાકાંઠાનું રક્ષણ કરવા માટે પીપળો, લીમડો અને વડ જેવા વૃક્ષોની પ્રજાતિઓથી ગાઢ જંગલો ઊભા કરવાની વિનંતી કરવામાં આવી છે.
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે દરિયાની જમીનની ભરણી કરીને સંપાદન કરીનેે મેળવેલી ૧૧૧ હેકટર જમીનમાંથી પાલિકાએ ૭૦ હેકટર જમીન વિકાસ માટે એટલે કે તેને ગ્રીન ઝોન તરીકે બનાવવા માટે ફાળવી છે. આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં દરિયાકિનારા પર ૭.૫ કિલોમીટરનો પ્રોમેનેડ બનાવવાનો સમાવેશ થાય છે, જેમાં લીલાછમ બગીચાઓ, મ્યુઝિકલ ફાઉન્ટન, સાયકલિંગ ટ્રેક અને એમ્ફ્રી થિયેટર હશે. શહેરના દરિયાકિનારા પાસે મરીન ડ્રાઈવ જેવા પ્રોમેનેડને મે, ૨૦૨૫ સુધીમાં જાહેર જનતા માટે ખૂલ્લું મૂકવાની અપેક્ષા છે. વધુમાં પાલિકા ખુલ્લી જગ્યા વિકસાવવામાં મદદ કરવા માટે ખાનગી ભાગીદારોની શોધ કરી રહી છે, જેનો અંદાજિત ખર્ચ ૪૦૦ કરોડ રૂપિયા છે, જે કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આવરી લેવામાં આવશે. આ દરમિયાન સિટિઝન ગ્રૂપ ‘સેવ અવર કોસ્ટ મુંબઈ’ દ્વારા ઈવફક્ષલય.જ્ઞલિ કેન્દ્ર એ રાજ્ય સરકાર તેમ જ પાલિકાને સંબોધિત કરીને એક ઓનલાઈન અરજી પણ કરી છે. રવિવારથી ચાલુ થયેલી આ ઓનલાઈન પિટિશનમાં અત્યાર સુધી ૧૨,૬૭૬ સહીઓ થઈ છે.
Also read: કોસ્ટલ રોડ પાલઘર સુધી: એકનાથ શિંદે
આ અરજી શહેર માટે ખૂબ આવશ્યક છે. શહેરમાં વધુ હરિયાળી ઊભી કરવાથી મુંબઈના એર ક્વોલિટી ઈન્ડેક્સમાં ૫૦થી ૧૦૦ પોઈન્ટનો સુધારો થઈ શકે છે. અરજદારાઓ છ મુખ્ય માગણીઓ રજૂ કરી છે, જેમ કે દરિયાકાંઠાના જંગલને કમર્શિયલ બાંધકામથી દૂર રાખવું, કોઈ પણ પ્લાનિંગ કરવામાં આવે તેમાં પારદર્શકતા રાખવી, હવાની ગુણવત્તા સુધારવા, પૂર અટકાવવા અને શહેરી ઠંડક વધારવા માટે યોગ્ય રીતે મુંબઈમાં હરિયાળું જંગલ ઊભું કરવું અને ભવિષ્યમાં અતિક્રમણ થાય નહીં તેના પર નજર રાખવી.