….’આ’ કારણથી મહારાષ્ટ્ર સરકાર ૨૫૭ વિદ્યાર્થી વિરુદ્ધ કરશે કાર્યવાહી
મુંબઈ: આદિવાસી ઉમેદવાર તરીકેના લાભ મેળવનારા પણ હિન્દુ ધર્મ સિવાય અન્ય ધર્મનું પાલન કરનારા અનુસૂચિત જનજાતિ (એસટી) કેટગરીના ૨૫૭ વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવાનું મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે.
રાજ્ય સરકારની વિશેષસમિતિ દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે એસટી કેટગરીમાં ૧૩,૮૫૮ વિદ્યાર્થીની નોંધણી થઇ હતી જેમાંથી ૨૫૭ વિદ્યાર્થી હિન્દુ ધર્મ સિવાય અન્ય ધર્મનું પાલન કરતા હતા, પરંતુ આ વિદ્યાર્થીઓએ ધર્માંતર કરવા પહેલા અનામતનો લાભ લેવા માટે હિન્દુ એસટી કેટગરીના સર્ટિફિકેટ મેળવ્યા હતા.
આપણ વાંચો: એડમિશનમાં નિયમોનો ભંગઃ MBBS ના વિદ્યાર્થીઓની માહિતી મગાવી મેડિકલ આયોગે…
સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ત્રાપ્રીનિયોરશિપ દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે ૨૦૨૩માં ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ (આઇટીઆઇ)ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એસટી કેટગરીના વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અન્ય ધર્મમાં ધર્માંતર કરાયેલા વિદ્યાર્થીઓ આદિવાસી સમુદાયને મળતા અનામતનો લાભ લઇ રહ્યા હતા. આ અંગે જાણ થતા સત્તાવાળાઓ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
‘વિશેષ સમિતિ દ્વારા કરાયેલી તપાસમાં ઉક્ત બાબત જણાઇ હતી. આવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમિતિનો અહેવાલ રાજ્ય આદિવાસી વિકાસ વિભાગને મોકલવામાં આવ્યો છે જેના દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે’, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.