સરકાર હાઇકોર્ટના નિર્દેશોનો અમલ કરશે: અનામત પર કાનૂની વિકલ્પોની શોધશે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે, મનોજ જરાંગેના નેતૃત્વ હેઠળ મુંબઈમાં ચાલી રહેલા મરાઠા અનામત માટેના આંદોલન પર બોમ્બે હાઇકોર્ટના નિર્દેશોનો વહીવટીતંત્ર અમલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર મરાઠા અનામત માટેની માગણી પરની મડાગાંઠને ઉકેલવા માટે કાનૂની વિકલ્પો શોધવા પર વિચારણા કરી રહી છે.
સરકાર એ પણ સુનિશ્ર્ચિત કરશે કે જરાંગેના દાવા મુજબ, હવેથી વધુ આંદોલનકારીઓ શહેરમાં પ્રવેશ ન કરે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
‘સરકાર હાઇકોર્ટના નિર્દેશોનો અમલ કરશે,’ એમ ફડણવીસે પુણેમાં જણાવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાના આરોપને ફગાવી દીધો હતો. ‘મરાઠા આંદોલન સંબંધિત છૂટાછવાયા બનાવો બન્યા છે જેને પોલીસે થોડીવારમાં જ દૂર કરી દીધા હતા,’ એમ તેમણે કહ્યું હતું.
‘હું મુસાફરી કરી રહ્યો હતો, તેથી મને ખબર નથી કે કોર્ટે શું અવલોકન કર્યું. મને જાણવા મળ્યું છે કે કોર્ટે એવી નોંધ કરી છે કે મુંબઈમાં વિરોધ પ્રદર્શનને આપવામાં આવેલી પરવાનગીઓ અંગે કેટલાક ઉલ્લંઘનો થયા છે. કોર્ટે મુંબઈના રસ્તાઓ પર જે કંઈ થઈ રહ્યું છે તેના પર નારાજી વ્યક્ત કરી છે,’ એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે ક્વોટા આંદોલનથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે તેમના ડેપ્યુટીઓ અજિત પવાર અને એકનાથ શિંદે સાથે મળેલી બેઠકમાં માગણીઓ પર કાનૂની વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી.
‘અમે બધા કાનૂની વિકલ્પો પર ચર્ચા કરી અને કાનૂની ઉકેલો શોધવા માટે કામ કર્યું છે, જે કોર્ટમાં ટકી રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે આ આરોપને નકારી કાઢ્યો કે આઝાદ મેદાન નજીકની દુકાનોને તેમના શટર બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું જેથી આંદોલનકારીઓને ખોરાક ન મળે.
‘રસ્તાઓ પર આંદોલનકારીઓ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે દુકાનો બંધ કરવામાં આવી હતી. દુકાનદારોને તેમના પરિસર ખોલવાનું કહેવામાં આવ્યું છે અને પોલીસની હાજરીની ખાતરી આપવામાં આવી છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…જરાંગેનું આંદોલન શાંતિપૂર્ણ નથી, 2nd september બપોર સુધીમાં મુંબઈના બધા રસ્તા ખાલી કરાવો: હાઈ કોર્ટ