મુંબઈમાં એમટીએનએલ, બીએસએનએલની સંપત્તિઓ પર નિર્ણય લેવા માટે સરકાર પેનલ બનાવશે: સિંધિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની સંપત્તિઓ પર નિર્ણય લેવા માટે સરકારી અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવશે.
આ સમિતિમાં રાજ્યના નગરવિકાસ વિભાગ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને કેન્દ્ર સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગના અધિકારીઓનો સમાવેશ થશે અને તેનો અહેવાલ ચાર અઠવાડિયામાં સુપરત કરવામાં આવશે, એમ સિંધિયાએ જણાવ્યું હતું.
આપણ વાંચો: 6G ટેકનોલોજી મુદ્દે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી મોટી જાહેરાત, ઇન્ટરનેટની સ્પીડ આટલી વધશે
સંચાર ખાતાના પ્રધાને મુંબઈમાં બીએસએનએલની સંપત્તિઓ અને મહારાષ્ટ્રમાં સંદેશાવ્યવહાર પ્રણાલી પર સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.
આ બેઠકમાં મુંબઈમાં બીએસએનએલ અને એમટીએનએલની સંપત્તિઓ, મોબાઇલ ટાવરના બાંધકામ, ભારતનેટ કાર્યક્રમ હેઠળ બનાવવામાં આવનાર સંદેશાવ્યવહાર પ્રણાલીઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર, મુખ્ય સચિવ સુજાતા સૌનિક, કેન્દ્રીય ટેલિકોમ સચિવ નીરજ કુમાર, બીએસએનએલના મેનેજિંગ ડિરેક્ટર રોબર્ટ રવિ અને અન્ય લોકોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
આપણ વાંચો: Madhavi Raje Scindia: કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું નિધન
સિંધિયાએ જણાવ્યું હતું કે ભારતનેટ પ્રોજેક્ટ દેશની દરેક ગ્રામ પંચાયત માટે ઝડપી સંચાર વ્યવસ્થા બનાવવા માટે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, અને ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રે પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સારું કામ કર્યું છે.
ભારતનેટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશની તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ, રાજ્યની બાકી રહેલી દરેક ગ્રામ પંચાયત સુધી પણ એક સંચાર વ્યવસ્થા સ્થાપિત થવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. સિંધિયાએ જણાવ્યું હતું કે ભારતનેટના બીજા તબક્કા હેઠળ, દેશભરમાં 4-જી નેટવર્કના એક લાખ ટાવર સ્થાપિત કરવામાં આવશે.