મેટ્રોનો આર્થિક ભાર ઘટાડવા માટે સરકારે બનાવી આ યોજના, 2,000 કરોડ ઊભા કરશે
મુંબઇ: કોલાબાથી સીપ્ઝ (મેટ્રો-3) આ લગભગ 37,000 કરોડની સબ-વે મેટ્રો યોજનાનું આર્થિક ભારણ ઓછું કરવા મંત્રાલયની સામે અને મનોરા આમદાર નિવાસની સામે પહેલાં જ્યાં રાજકીય પક્ષ અને સરકારી કચેરીઓ હતી એ જગ્યાએ ગગનચૂંબી ઇમારત ઊભી કરવામાં આવશે. આ ઇમારત કમર્શિયલ ઓફિસીસ માટે વેચીને લગભગ દોઢથી બે હજાર કરોડ રુપિયા ઊભા કરવાની મેટ્રોની યોજના છે.
રાજ્ય સરકારની પરવાનગી મળ્યા બાદ જ કેટલી ઇમારતો ઊભી કરવી કે પછી એક જ ઊંચી ઇમારત ઊભી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ અંગે ટેન્ડર કાઢીને કામ સોંપવામાં આવશે. આ બિલ્ડિંગમાં આવેલ ઓફિસીસ વેચીવાથી મેટ્રો પાસે ફંડ ભેગું થઇ શકશે, એમ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું.
મંત્રાલયથી મનોરા આમદાર નિવાસ તરફ જતાં રસ્તા પર કોંગ્રેસ, શિવસેનાનું શિવાલય, શેકપા, બહુજન મહાસંઘ, કવાડે જૂથ વગેરે જેવા રાજકીય પક્ષોની સરકારી બેરેકમાં ઓફિસ હતી. આ ઉપરાંત, કેટલીક સરકારી કચેરીઓ પણ હતી. કોલાબાથી-સિપ્ઝ મેટ્રો માર્ગ પર વિધાનભવન નામે સબ-વે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશન બનાવવા માટે તમામ રાજકીય પક્ષ અને બધી જ સરકારી ઓફિસીસ 2017માં તોડવામાં આવી હતી. આ બધી કચેરીઓને પણ હંગામી જગ્યા ફાળવવામાં આવી હતી.
વિધાનભવન મેટ્રો સ્ટેશનનું કામ હવે પૂરુ થયું છે. મુંબઇ મેટ્રોનું આર્થિક ભારણ ઓછું કરવા આ જગ્યા મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) એ પહેલાં જ હસ્તાંતરિત કરી છે. આ જગ્યા પર ઇમારત બાંધવાનો મુંબઇ મેટ્રોનો પ્લાન છે. આ જગ્યા પર ઇમારત ઊભી કરી કમર્શિયલ ઓફિસીસને આ જગ્યા આપવામાં આવશે, જેમાંથી લગભગ દોઢથી બે હજાર કરોડ રુપિયાનું ભંડોળ મળી શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.