આમચી મુંબઈ

રાજ્યની શાળાઓમાં CCTV કેમેરા લગાવવામાં વિલંબ અંગે સરકાર સવાલોના ઘેરામાં

1.05 લાખ સ્કૂલોમાંથી ફક્ત 50,000માં લાગ્યા છે સીસીટીવી: હાઈ કોર્ટે વિદ્યાર્થીઓની સુરક્ષા અને જાતીય શોષણથી રક્ષણ માટે લગાવવાનો આદેશ આપ્યો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્ય વિધાનસભાના ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યભરની સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં થઈ રહેલા વિલંબ અંગે મહારાષ્ટ્ર સરકાર વિપક્ષની ટીકાના ઘેરામાં આવી હતી.

વિજય વડેટ્ટીવાર, વિકાસ ઠાકરે, નાના પટોલે અને અસલમ શેખ જેવા વરિષ્ઠ નેતાઓ સહિત 35થી વધુ વિધાનસભ્યો દ્વારા સંયુક્ત રીતે ઉઠાવવામાં આવેલા તારાંકિત પ્રશ્ર્નમાં શાળા શિક્ષણ ખાતાના પ્રધાન પાસેથી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી વધારવા માટે શાળાઓમાં સીસીટીવી કવરેજ ફરજિયાત કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરવાની વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી.

આપણ વાંચો: મહારાષ્ટ્રની શાળાઓને સીસીટીવી કેમેરા બેસાડવા, વિદ્યાર્થીઓની હાજરી માટે મોટો નિર્ણય…

વિધાનસભ્યોએ સવાલ કર્યા હતા કે, શું હાઈ કોર્ટે મે મહિનાની આસપાસ રાજ્યને જાતીય શોષણની ઘટનાઓ રોકવા અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો હતો?

તેમણે વધુમાં પૂછ્યું હતું કે, શું રાજ્યને હાઈ કોર્ટના નિર્દેશના અમલ માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને શું કુલ 1,05,052 શાળાઓમાંથી માત્ર 50,000 શાળાઓમાં અત્યાર સુધી સીસીટીવી સિસ્ટમ લગાવવામાં આવી છે એ વાત સાચી છે?

આ પ્રશ્નમાં યવતમાળ જિલ્લામાં અમલમાં થયેલા કથિત વિલંબ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જ્યાં જિલ્લા આયોજન સમિતિ હેઠળની 395 શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 9 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાના અહેવાલ છે, પરંતુ મે મહિના સુધી કામ અધૂરું રહ્યું હતું..

આપણ વાંચો: ગુજરાત સરકારની બેદરકારી, ગૃહ વિભાગ હેઠળની કચેરીઓમાં 3374 સીસીટીવી કેમેરા બંધ હાલતમા

સવાલોના જવાબમાં, શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદાજી ભૂસેએ કબૂલ કર્યું હતું કે જ્યારે હાઇકોર્ટે ખરેખર સરકારને વિદ્યાર્થીઓની સલામતી માટે સીસીટીવી લગાવવાનું સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારે આદેશમાં બે મહિનાની કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી નથી.

તેમણે ઉમેર્યું હતું કે સીસીટીવી સિસ્ટમ ધરાવતી 50,000 શાળાઓનો આંકડો ‘આંશિક રીતે સાચો’ છે અને સીસીટીવી કેમેરાના કવરેજ વધારવાના પ્રયાસો ચાલુ છે.

ભૂસેએ કહ્યું હતું કે યવતમાળ માટે 2023-24માં 17 શાળા માટે 59.75 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જ્યારે 395 શાળાઓ માટેના 2024-25ના 9.85 કરોડ રૂપિયાના પ્રસ્તાવને માટે ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. હવે 13 મેના સરકારી ઠરાવ અને 21 મેના નિર્દેશ પછી 80 શાળામાં ઈન્સ્ટોલેશનના આદેશ આપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button