આમચી મુંબઈ

પ્રણય ત્રિકોણનો અંત લાવવા ગોળી મારી યુવતીની હત્યા: ચારની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગોવંડીમાં પ્રણય ત્રિકોણનો અંત લાવવા માટે ગોળી મારી યુવતીની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસે પ્રેમીપંખીડા સહિત ચારની ધરપકડ કરી હતી.

ગોવંડીના શિવાજી નગરમાં બૈગન વાડી વિસ્તારના કમલા રામન નગરમાં મંગળવારની બપોરે 12 વાગ્યાની આસપાસ શિફા શેખ (19) પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. લમણે ગોળી વાગતાં શિફાનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે મોડી રાતે તબસ્સુમ, નદીમ, કલામ અને તબસ્સુમના ભાઈની ધરપકડ કરી હતી. બુધવારે કુર્લા કોર્ટે ચારેયને 18 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આપણ વાચો: કેનેડામાં બસ સ્ટેન્ડ પર ઉભેલી ભારતીય વિદ્યાર્થીનીને ગોળી વાગતા મૃત્યુ, પોલીસે તપાસ શરૂ કરી

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શિફા અને એ જ પરિસરમાં રહેતા નદીમ વચ્ચે પ્રેમપ્રકરણ હતું. જોકે નદીમ તબસ્સુમ નામની બીજી યુવતીના પ્રેમમાં હોઈ તેની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હોવાની જાણ શિફાને થઈ હતી. આ મુદ્દે શિફા અને નદીમ વચ્ચે બોલાચાલી થઈ હતી. નદીમ ડ્રગ્સની હેરફેરમાં સામેલ હોવાનું કહેવાય છે.

દરમિયાન આ પ્રણય ત્રિકોણનો અંત લાવવા શિફા મંગળવારની બપોરે તબસ્સુમને સમજાવવા તેના ઘરે ગઈ હતી. શિફા અને તબસ્સુમ વચ્ચેની વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બન્ને વચ્ચે ઝઘડો થતાં રોષમાં આવી તબસ્સુમે ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે.

આપણ વાચો: બાંગ્લાદેશથી ભારતમાં ઘુસી રહેલા લોકો પર BSFનો ગોળીબાર, હિન્દુ સગીરાનું મોત

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કલામ પાસે પહેલેથી દેશી બનાવટની પિસ્તોલ હતી. મામલો પતાવી નાખવા તેણે જ શિફા પર ગોળીબાર કરવા તબસ્સુમને પિસ્તોલ આપી હતી. ગુસ્સામાં તબસ્સુમે પણ શિફા તરફ પિસ્તોલ તાણી હતી અને એક રાઉન્ડ ફાયર કર્યું હતું.

ગોળી વાગતાં જ શિફા જમીન પર ફસડાઈ પડી હતી. કહેવાય છે કે બાદમાં આરોપી શિફાને ઊંચકી તેના ઘર નજીક છોડી આવ્યા હતા. રહેવાસીની નજર પડતાં તેને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button