ગોવંડીમાં ગંભીર બીમારીથી ત્રસ્ત માતાએ છ મહિનાના દીકરાનું ગળું દબાવી દીધું | મુંબઈ સમાચાર

ગોવંડીમાં ગંભીર બીમારીથી ત્રસ્ત માતાએ છ મહિનાના દીકરાનું ગળું દબાવી દીધું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગોવંડીમાં ગંભીર બીમારીથી ત્રસ્ત જનેતા જ જમ બની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નબળી આર્થિક સ્થિતિ અને પોતાની બીમારી પુત્રને પણ લાગુ પડતાં હતાશ માતાએ ઘોડિયામાં સૂતેલા છ મહિનાના દીકરાનું ગળું દબાવી દીધું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ચેમ્બુરના પી. એલ. લોખંડે માર્ગ પર આવેલા ગાર્મેન્ટના કારખાના બહાર એક મહિલાએ બીજીને ચાકુ માર્યાની માહિતી ટિળક નગર પોલીસને ગુરુવારની સાંજે મળી હતી. માહિતીને આધારે પોલીસ સ્ટેશનની નિર્ભયા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બન્ને મહિલાને તાબામાં લઈ પૂછપરછ કરતાં કોઈ કારણ વિના જ 43 વર્ષની મહિલાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આપણ વાંચો: દારૂ માટે પત્નીનું ગળું દબાવી દેનારો પતિ બે કલાકમાં પકડાયો

જખમી મહિલાને સારવાર માટે રાજાવાડી હૉસ્પિટલે લઈ જવાઈ હતી, જ્યારે હુમલો કરનારી 43 વર્ષની આરોપી મહિલાની પૂછપરછ કરવામાં આવતાં તે ગોવંડીના બૈગન વાડી ખાતે માતા-પિતા અને પુત્ર સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાના જ છ મહિનાના પુત્રની હત્યા કર્યાની કબૂલાત કરતાં પોલીસની ટીમ પણ ચોંકી ઊંઠી હતી.

મહિલાના દાવાની ખાતરી કરવા ટિળક નગર પોલીસે ગોવંડીની શિવાજી નગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે મહિલાના ઘરે જઈ તપાસ કરતાં તે સાચું બોલતી હોવાનું જણાયું હતું. ઘોડિયામાં પડેલા બાળકના શબને પોલીસ પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી.

આપણ વાંચો: ઓસ્ટ્રેલિયન પોલીસે ગળું દબાવી ભારતીય મૂળના વ્યક્તિનો જીવ લીધો! જાણો શું છે મામલો

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મહિલાનાં ત્રણ વાર નિકાહ થયા હતા અને ત્રણેય પતિએ તેને છોડી દીધી હતી. બાદમાં મહિલા એક શખસના સંપર્કમાં આવી હતી. આ શખસ સાથેના શારીરિક સંબંધમાં મહિલા ગર્ભવતી બની હતી. સગર્ભાવસ્થામાં મહિલાને છોડી એ શખસે સંપર્ક તોડી નાખ્યો હતો.

કહેવાય છે કે છ મહિના પહેલાં મહિલાએ બાળકને જન્મ આપ્યો ત્યારે બન્નેને ગંભીર બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. આર્થિક પરિસ્થિતિ સારી નહોતી અને તેમાં બીમારીની જાણ થતાં મહિલા માનસિક રીતે ભાંગી પડી હતી. આખરે દીકરાને મારી પોતાનું આયખું ટૂંકાવવાનો વિચાર તેણે કર્યો હતો. તકિયાથી ગૂંગળાવી અને ગળું દબાવી દીકરાની કથિત હત્યા કરી મહિલા ઘરની બહાર નીકળી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button