આમચી મુંબઈ

મોર્ફ તસવીરોથી બ્લૅકમેઈલ કરીને યુવતીને આત્મહત્યા માટે ઉશ્કેરી: યુવાનની ધરપકડ

મુંબઈ: મોર્ફ કરેલી વાંધાજનક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી અને બ્લૅકમેઈલ કરીને યુવતીને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવા પ્રકરણે પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

ગોરેગામ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે યુવતી પરિવાર સાથે ગોરેગામમાં રહેતી હતી અને આરોપી સાથે નિયમિત રીતે સંપર્કમાં હતી. બન્ને જણ વ્હૉટ્સઍપ અને ફોન કૉલ્સ પર કલાકો સુધી વાતચીત કરતાં હતાં. આ અંગે યુવતીના વડીલોને જાણ થતાં તેમણે આરોપીથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ યુવતીએ આરોપી સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે યુવતી છેલ્લાં અમુક સપ્તાહથી માનસિક તાણમાં હતી. આ અંગે માતાએ પૂછતાં યુવતીએ જણાવ્યું હતું કે આરોપી સંજયરાજ વિશ્ર્વકર્મા તેને એક મિત્રના કાર્યક્રમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે મોબાઈલ ફોનથી યુવતીની અનેક તસવીરો ક્લિક કરી હતી. બાદમાં કેટલીક તસવીરોને એડિટ કરીને તેને વાંધાજનક બનાવી હતી. એ તસવીરોની મદદથી આરોપી નાણાં માટે બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. વાંધાજનક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની પણ તેણે ધમકી આપી હતી.

આ પણ વાંચો: પીએમ મોદીએ deepfake ટેકનોલોજી અંગે આપ્યું આ મહત્વનું નિવેદન..

વારંવાર રૂપિયા આપવા છતાં આરોપી ધમકી આપી રહ્યો હતો. પરિણામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને યુવતીથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. જોકે તેમ છતાં આરોપીએ માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખી યુવતીને ડિપ્રેશનમાં ધકેલી હતી. કંટાળીને યુવતીએ 15 નવેમ્બરે ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. યુવતીની આત્મહત્યાને પગલે તેના વડીલોએ ગોરેગામ પોલીસ સ્ટેશનમાં પાછી ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button