આમચી મુંબઈ

ગોરેગામમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત: સુસાઈડ નોટમાં કરેલા આક્ષેપોની તપાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કુરાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગોરેગામના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાસ્થળેથી મળેલી કથિત સુસાઈડ નોટમાં કરાયેલા આક્ષેપોની પોલીસ તપાસ કરી રહી છે.
ગોરેગામ પૂર્વમાં પરિવાર સાથે રહેતા સુભાષ કાંગણે (37)એ સોમવારની બપોરે સીલિંગ ફેન સાથે ગળાફાંસો ખાધો હતો. પ્રાથમિક માહિતીને આધારે દિંડોશી પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કાંગણેની બદલી ત્રણ મહિના અગાઉ જ કુરાર પોલીસ સ્ટેશનમાં થઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા કાંગણેને તબીબે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: આ વર્ષે Gujarat Police માં આપઘાતની ઘટનાઓ; ચાર મહિલા કોન્સ્ટેબલે ટૂંકાવ્યું જીવન!

પોલીસના જણાવ્યા મુજબ કાંગણે નાગરી નિવારા કોલોનીમાં પત્ની અને બે સંતાન સાથે રહેતો હતો. પત્ની બન્ને સંતાન સાથે તેના વતન ગઈ હોવાથી કાંગણે ઘરમાં એકલો હતો. કાંગણેના મિત્ર એવા કોન્સ્ટેબલની નજર ગળાફાંસો ખાધેલા કાંગણે પર પડતાં તેણે પોલીસને જાણ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી મરાઠીમાં લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. ચિઠ્ઠીમાંના લખાણ અનુસાર તે માનસિક તાણમાં હતો. કાંગણેના નામે કોઈએ ડીસીપીને ખોટી ફરિયાદનો પત્ર લખ્યો હતો, જેમાં સિનિયર અધિકારીઓ વિરુદ્ધ લખવામાં આવ્યું હતું. આ પત્ર તેણે લખ્યો ન હોવાનું કાંગણેનું કહેવું હતું. પત્રને કારણે બદનામી થઈ હોવાનું પણ તેને લાગતું હતું. પરિણામે માનસિક તાણમાં તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. પોલીસ આ ચિઠ્ઠીમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button