ગોરેગામ-મુલુંડ લિંક રોડ ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે

ટનલનું ખોદકામ ઑગસ્ટ, ૨૦૨૬માં શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ હેઠળ ગોરેગામમાં દાદાસાહેબ ફાળકે ફિલ્મ સિટીમાં ટ્રિપલ-લેન ટ્વીન ટનલના લોચિંગ શાફ્ટ માટે ખોદકામ ઝડપથી આગળ વધી રહ્યુંં છે. લોન્ચિંગ શાફ્ટ માટે ૨૦૦ મીટર લંબાઈ, ૫૦ મીટર પહોળાઈ અને ૩૦ મીટર ઊંડાઈમાં ખોદવામાં આવવાનું છે, તેમાંથી અત્યાર સુધી ૧૦૦ બાય ૫૦ મીટરના વિસ્તારને આવરી લેતા અને ૧૦ મીટરની ઊંડાઈ સુધી ખોદકામ થઈ ગયું છે. ખોદકામ નીચે ચાલી રહ્યું હોઈ આજુબાજુની ભિંત તૂટી ના પડે તે માટે ‘રૉક ઍકરિંગ’ કરવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે અઠવાડિયાના સાતેય દિવસ કાર્યરત આ પ્રોજેક્ટ ડિસેમ્બર, ૨૦૨૮માં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ને જમીનને અંદર પ્રવેશ કરાવવા માટે ૨૦૦ મીટર લાંબો, ૫૦ મીટર પહોળો અને ૩૫ મીટર ઊંડો લોન્ચિંગ શાફ્ટ બનાવવામાં આવી રહ્યો છે. બે ટ્વીન ટનલ માટે બે અત્યાધુનિક ટીબીએમ આવશ્યક છે, તેમાંથી એક ટીબીએમના તમામ પાર્ટસ આવી ગયા છે. જયારે બીજા ટીબીએમના પાર્ટસ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી અપેક્ષિત છે. ઑક્ટોબર ૨૦૨૬માં ટીબીએમના તમામ પાર્ટસને જોડી દેવામાં આવશે અને ત્યારબાદ ટનલ માટેનું ખોદકામ શરૂ થશે.
ટીબીએમનો ઉપયોગ કરીને લગભગ ૫.૩ કિલોમીટરની ટ્વીન ટનલનું ખોદકામ કરવામાં આવશે, જેમાં બોક્સ ટનલ સહિતની કુલ લંબાઈ ૬.૬૨ કિલોમીટર સુધી પહોંચશે. દરેક ટનલનો બાહ્ય વ્યાસ અંદાજે ૧૪.૪૨ મીટર સુધીનો હશે. એક વખત આ ટનલ પૂરી થઈ જશે તો તે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સૌથી લાંબી ટનલ હશે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ગોરેગામ-મુુલુંડ લિંક રોડએ પશ્ર્ચિમ-પૂર્વ ઉપનગરને જોડનારો ચોથો કનેકટર બની રહેશે. દાદાસાહેબ ફાળકે ફિલ્મ સિટીથી મુલુંડ સુધી એક નવો લિંક રોડ બનાવવામાં આશે, જે પશ્ર્ચિમ મુંબઈ કોસ્ટલ રોડને મલાડ માઈન્ડસ્પેસ સુધી જોડશે. આ સિગ્નલ -ફ્રી રૂટથી સીધો પ્રવાસ કરી શકાશે અને મલાડથી ઐરોલી વચ્ચેની મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનો ૧૨.૨ કિલોમીટર લાંબો ગોરેગામ-મુલુંડ લિંક રોડ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવને જોડશે, જે મુસાફરીનો સમય ઘટાડીને મા૬ ૨૫ મિનિટનો કરી દશે. પ્રોજેક્ટનો ફેઝ ત્રણ (બી) લગભગ ૬,૫૦૦ કરોડ રૂપિયાનો છે, જેમાં ફિલ્મ સિટી ખાતે ૧.૨૨ કિલોમીટર લાંબી ટ્રિપલ-લેન બોક્સ ટનલ અને સંજય ગાંધી નેશનલ પાર્કની નીચે ટવીન ટનલનો સમાવેશ થાય છે. આ ૬.૨ કિલોમીટરનો કોરીડોર જમીનની નીચે ૨૦થી ૧૬૦ મીટર ઊંડાઈએ છે, જેમાં દર ૩૦૦ મીટર પર ઈન્ટરકનેકશન હશે.
આ પણ વાંચો…વસઈ-વિરાર શહેરમાં ૧૩૧ ટેન્કર સામે પરિવહન વિભાગની કાર્યવાહી



