ગોરેગામમાં ચોર સમજીને બેરહેમીથી માર મારતાં યુવકનું મોત: ચાર જણ ઝડપાયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ગોરેગામમાં ચોર સમજીને બેરહેમીથી માર મારતાં યુવકનું મોત: ચાર જણ ઝડપાયા

મુંબઈ: ગોરેગામ વિસ્તારમાં ચોર સમજીને કામગારોના જૂથે 26 વર્ષના યુવકને બેરહેમીથી માર માર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ચાર જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગોરેગામના સુભાષનગર વિસ્તારમાં આવેલી ઇમારતમાં રવિવારે વહેલી સવારે આ ઘટના બની હતી. આ ઇમારતના પરિસરમાં કેટલાક કામગાર બાંધકામને લઇ હાજર હતા.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ દાવો કર્યો હતો કે હર્ષલ પરમા નામનો યુવક અન્ય ચાર જણ સાથે મોડી રાતે ઇમારતમાં ઘૂસ્યો હતો. તેમણે હર્ષલને ચોર હોવાની શંકા પરથી પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય ત્રણ જણ ફરાર થઇ ગયા હતા.

આપણ વાંચો: રેલવે સ્ટાફની દાદાગીરી, મુસાફરને બેરહેમીથી માર્યો

દરમિયા કામગારોએ હર્ષલને રસ્સીથી બાંધી દીધો હતો અને તેની બેરહેમીથી મારપીટ કરાઇ હતી. હર્ષલની ચીસો સાંભળીને ઇમારતનો સિક્યુરિટી ગાર્ડ ઉપર દોડી આવ્યો હતો. તેણે હર્ષલને છોડી દેવા માટે આરોપીઓને કહ્યું હતું, પણ આરોપીઓએ તેને ધમકાવ્યો હતો.

આરોપીઓએ કરેલી મારપીટમાં ગંભીર રીતે ઘવાયેલો હર્ષલ બેભાન થઇ ગયો હતો. હર્ષલને ત્વરિત હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તપાસીને તેને મૃત જાહેર કરાયો હતો.

ગોરેગામ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીઓ સલમાન ખાન, ઇસામુલ્લા ખાન, ગૌતમ ચામર અને રાજીવ ગુપ્તાની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button