રેલવે સ્ટાફની દાદાગીરી, મુસાફરને બેરહેમીથી માર્યો
કલ્યાણઃ મધ્ય રેલવેની લોકલ સેવાઓ હંમેશા અનિયમિત રહેતી હોય છે, જેને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદના સમયમાં તો મધ્ય રેલવેની ટ્રેન સેવા હંમેશા પ્રભાવિત થાય છે. આ ઉપરાંત લોકલની ભીડ પણ અસહ્ય હોય છે. આટલું ઓછું હોય તેમ હવે એક એવી ઘટના જાણવા મળી છે જેનાથી સનસની મચી ગઇ છે. છૂટ્ટા પૈસા મામલે થયેલા વિવાદમાં રેલવે સ્ટાફ દ્વારા મહિલા મુસાફરને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સનસનીખેજ ઘટના મધ્ય રેલવેના મહત્વપૂર્ણ સ્ટેશન કલ્યાણ સ્ટેશન પર બની હતી.
મળતી માહિતી મુજબ કલ્યાણ સ્ટેશન પરની ટિકિટ કાઉન્ટર પરની મહિલા સ્ટાફે મહિલા મુસાફરને સ્ટમ્પ વડે માર માર્યો હતો. આ ઘટના આજે સવારે કલ્યાણ સ્ટેશન પર બની હતી. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર સ્કાયવોક પર આવેલા ટિકિટ કાઉન્ટર પર પીડિતા મુસાફર ટિકિટ લેવા આવી હતી. પીડિતા ટિકિટની લાઈનમાં ઊભી હતી. છૂટ્ટા પૈસાના મુદ્દે ટિકિટ કાઉન્ટર સ્ટાફ સાથે તેનો વિવાદ થયો હતો. ધીમે ધીમે વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. એ સમયે પીડિતાએ રેલવેના આ ઉદ્ધત સ્ટાફનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ જોઇને ટિકિટ કાઉન્ટર પરની મહિલા રેલ્વે સ્ટાફ વધારે રોષે ભરાઇ હતી. અને તેણે મહિલાને ઓફિસની અંદર બોલાવી તેની સાથે મારપીટ કરી હતી. તે સમયે ત્યાં હાજર પ્રવાસીઓએ બૂમો પાડીને પીડિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં મહિલા સ્ટાફ મેમ્બરે તેને મારવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં મહિલા મુસાફર ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેમતેમ કરીને અન્ય મુસાફરોએ પીડિતાને મહિલાને સ્ટાફના હાથમાંથી છોડાવવામાં સફળતા મેળવી હતી.
એ સમયે રેલવે પોલીસ અધિકારી ત્યાં આવ્યા હતા અને મામલો સમજીને દરમિયાનગીરી કરી હતી. લગભગ અડધા કલાક બાદ ટિકિટ કાઉન્ટર પર મુસાફરો અને સ્ટાફ વચ્ચેનો વિવાદ રેલવે પોલીસની મદદથી ઉકેલાયો હતો.
જોકે, મધ્ય રેલવેના પ્રવાસીઓનો આરોપ છે કે રેલવે સ્ટાફનું વર્તન હંમેશા ઉદ્ધત જ હોય છે. મુસાફરોએ રેલવેને ચેતવણી પણ આપી હતી કે પ્રવાસીઓની ધીરજની પરીક્ષા ના કરે, નહીંતો જે દિવસે મુસાફરોનો સંયમ તૂટશે તે દિવસે પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે.