ગોરેગામમાં બેસ્ટ બસ અને ટ્રક વચ્ચે ટક્કર: આઠ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં શુક્રવારે વહેલી સવારના દિંડોશીથી શિવડી જઈ રહેલી બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસ અને સ્ટેશનરી ભરેલી ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં આઠ લોકો જખમી થયા હતા. જખમીઓમાં બસના ડ્રાઈવર, કંડકર સહિત બસના પ્રવાસીઓને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
બેસ્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ શુક્રવારે સવારના ૬.૩૦ વાગે ગોરેગામમાં વનરાઈ પોલીસ સ્ટેશન સામેની આ દુર્ઘટના બની હતી, જેમા વડાલા ડેપોની વેટ લીઝ પર રહેલી ૪૦ નંબરની બસ દિંડોશીથી શિવડી જઈ રહી હતી ત્યારે વનરાઈ પોલીસ સ્ટેશનની સામે સર્વિસ રોડ પરથી અચાનક એક કાર બસની સામે આવી ગઈ હતી.
અચાનક કાર સામે આવી જતા બસને ડાબી તરફ વાળવાના પ્રયાસમાં બેસ્ટના ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ત્યાં ડાબી બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે જોશભેર અથડાઈ હતી.
ટ્રક્ સાથે જોશભેર ટકરાવાને કારણે બસની આગળના ભાગને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને તેમાં બસ ડ્રાઈવર, કંડકટર સહિત છ પ્રવાસીઓ જખમી થયા હતા. બસના કંડકટરને જોગેશ્ર્વરીમાં આવેલી ટ્રોમા કેર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જખમીઓમાં ૬૬ વર્ષના અશરફ શાદીહ હુસેન, ૬૦ વર્ષના સીતારામ ગાયકવાડ, ૫૬ વર્ષના ભરતી માંડવકર, ૫૭ વર્ષના સુધાકર રેવલે, અને ૩૦ વર્ષના પોચિયા નરેશ કાનપોચી અને ૩૫ વર્ષના અમિત યાદવનો સામાવેશ થાય છે.