ગોરેગામ આગ પાણી માટે પાલિકામાં લેખિતમાં અરજી કરી હતી, પણ…: રહેવાસીઓમાં રોષ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામની જય ભવાની બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારના લાગેલી આગમાં જખમી થયેલા લોકોમાંથી પાંચની હાલત હજી પણ નાજુક હોઈ તેમના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે ત્યારે આ દુર્ઘટનામાં બચી ગયેલા મોટાભાગના રહેવાસીઓએ બિલ્િંડગમાં પાણીનું જોડાણ જ નહીં હોવાને કારણે સુધરાઈ સહિત સરકારના ભ્રષ્ટ કારભાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જો પાણીનું જોડાણ હોત આગ જલદી બુઝાઈ ગઈ હોત અને આટલી તારાજી થઈ ન હોત એવી નારાજગી પણ વ્યક્ત કરી હતી.
ગોરેગાંવમાં ઝૂંપડપટ્ટી પુનવર્સન પ્રોજેક્ટ હેઠળ જય ભવાની ઝૂંપડપટ્ટીનું પુનવર્સન કરીને અહીં જય ભવાની એસઆરએ બિલ્િંડગ બનાવવામાં આવી હતી. અહીં વર્ષોથી લોકો રહેતા હતા. પરંતુ હજી સુધી તેમને મુંબઈ મહાનગરપાલિકા પાસેથી પાણીનું જોડાણ જ મળ્યું નહોતું. અનેક વખત બિલ્ડિંગના રહેવાસીઓએ પાલિકાની ઑફિસમાં જઈને લેખિતમાં પાણીનું જોડાણ આપવાની વિનંતી પણ કરી હતી. પરંતુ પાલિકા પ્રશાસનના તેના તરફ દુર્લક્ષ કર્યું હતું. તેથી વર્ષો સુધી જય ભવાની ઈમારતના લોકો બોરિંગના પાણી પર તેમ જ આજુબાજુની ઈમારતથી પાણી લાવીને વાપરતા હતા.
શુક્રવારની વહેલી સવારની ભીષણ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડને બિલ્ડિંગમાં પાણીનું જોડાણ જ નહીં મળતા તેમને આગ બુઝાવવામાં ભારે તકલીફ થઈ હતી. બિલ્િંડગમાં સુધરાઈનું પાણીનું જોડાણ નહીં, ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી નહોતી અને લિફ્ટ સુદ્ધા કામ કરતી નથી. આવી ભયંકર હાલતમાં સાત માળની બિલ્ડિંગમાં લોકો વર્ષોથી રહેતા આવ્યા છે અને શુક્રવારની દુર્ઘટના બાદ પાલિકા પ્રશાસન અને સરકારના તેમના પ્રત્યેના વલણ સામે રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
આગની દુર્ઘટનામાં જખમી થયેલામાંથી પાંચ લોકોની હાલત હજી પણ ગંભીર છે અને તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. તો ૪૭ની હાલત સ્ટેબલ છે. શુક્રવારની વહેલી સવારના બિલ્િંડગમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનાને યાદ કરીને રહેવાસીઓ કાંપી ગયા હતા. તો અમુક લોકો હજી પણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો દુર્ઘટનામાં બચી ગયેલા અમુક રહેવાસીઓ પોતાના સંબંધીને ત્યાં છે.
બિલ્ડિંગમાં રહેતી એક ૩૦ વર્ષની મહિલાએ શુક્રવારની દુર્ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે તે અને તેનો પરિવાર ઈમારતમાં અંદર ફસાઈ ગયા હતા. ધુમાડો ચારેતરફ ફેલાઈ ગયો હોવાથી આજુબાજુ કંઈ દેખાતું નહોતું. પરંતુ ફાયરબ્રિગેડે આવીને તેમને બચાવી લીધા હતા. આગને કારણે તેઓ બધા ઘરમાં ફસાઈ ગયાં હતાં અને ધુમાડાને કારણે તેઓને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી.
કિડનીની બીમારીથી પીડીત અન્ય એક મહિલાએ કહ્યું હતું કે આગ લાગી હોવાની જાણ થયા બાદ ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓને કારણે તે શક્ય બન્યું નહોતું. તેથી જીવ બચાવવા માટે પરિવારના સભ્યોએ બારીમાંથી કૂદવાનું વિચાર્યું હતું. પરંતુ તે શક્ય થયું નથી. એક કલાક પછી ફાયર બ્રિગેડે આવીને અમને બચાવી લીધા હતા.
અન્ય એક રહેવાસીએ દાવો કર્યો હતો કે તેણે સવારના ત્રણ વાગ્યાની આસપાસ ધડાકો સાંભળ્યો હતો. એ બાદ તેના પરિવારના સભ્યો સાથે તે સીડી પરથી નીચે ઊતર્યો હતો અને તેણે દરેક ઘરના ડોરબેલ વગાડીને તે બિલ્ડિંગની બહાર નીકળી ગયો હતો. કદાચ આગ પાર્કિંગ ઍરિયાથી શરૂ થઈ હતી અને બાદમાં તે જ્યાં કપડાનાં ઢગલા પડ્યા હતા ત્યાં ફેલાઈ હતી.
બિલ્ડિંગના અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે આગ ફાટી નીકળ્યા બાદ તેઓએ બ્લાસ્ટ જેવો મોટો અવાજ સાંભળ્યો હતો, જે કદાચ પાર્કિંગ લોટમાં રહેલી કાર હતી ત્યાંથી ચાલુ થઈ હતી.
સાત માળની ઈમારતના ત્રીજા માળે રહેતા એક સિનિયર સિટિઝને કહ્યું હતું કે સવારના ૨.૩૦ વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે બહાર આગ લાગી હોવાની જોરજોરથી બૂમો પાડવામાં આવી રહી હોવાનું સાંભળ્યું હતું. તેમનો અવાજ સાંભળ્યા બાદ પરિવારના નવ સભ્યો સીડી પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આવતા અઠવાડિયાથી એસઆરએ બિલ્ડિંગોમાં થશે ફાયર ઑડિટ
મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ મુંબઈ ફાયર બ્રિગેડ આવતા અઠવાડિયાથી મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન પ્રોગામ હેઠળ બાંધવામાં આવેલી ઈમારતોનું ફાયર ઑડિટ કરવાનું ચાલુ કરવાની છે.
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આવતા અઠવાડિયાથી મુંબઈ ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવનારા ઈન્સ્પેક્શન દરમિયાન જે ઈમારતો ફાયર સૅફટીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હશે તેને નોટિસ આપવામાં આવશે.
શુક્રવારે સવારે ગોરેગામ (પશ્ર્ચિમ)માં જય ભવાની બિલ્િંડગમાં વહેલી સવારના લાગેલી ભીષણ આગમાં સાતના ભોગ લેવાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા પ્રશાસને મુંબઈ
ફાયરબ્રિગેડને મુંબઈની તમામ એસઆરએ ઈમારતોનું નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી. ફાયર ઑડિટમાં ઓછામાં ઓછા ૧૦ દિવસનો સમય લાગશે અને ફાયર સૅફટીના નિયમોના ઉલ્લંઘનના કેસમાં નોટિસ આપવામાં આવશે.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ જે સોસાયટી નોટિસનું પાલન કરવામાં માટે ચોક્કસ સમયની મુદત આપવામાં આવશે. જે સોસાયટીઓ નિષ્ફળ જશે તો તે સોસાયટીઓને કાર્યવાહીનો સામનો કરવો પડશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ જય ભવાની બિલ્ડિંગની ઈલેક્ટ્રિક વાયરિંગ પૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. તેથી પૂર્ણ રીતે તેનું સમારકામ કરવું પડશે. ત્યાં સુધી રહેવાસીઓની ઉન્નત નગર મ્યુનિસિપલ સ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.