Good News: બુલેટ ટ્રેનના ડેપોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે
મુંબઈ: દેશમાં વીજળીના વધતા ઉપયોગની સામે ઊર્જાના વિવિધ સંસાધનોનો ઉપયોગ કરવાનું જરુરી છે, જેથી ઈલેક્ટ્રિસિટી ખેંચ ઘટી શકે છે. સૌર ઊર્જાના સંસાધનો વધારવા માટે રેલવે દ્વારા વિવિધ જગ્યાએ પસંદગી કરવામાં આવી રહી છે, ત્યારે બુલેટ ટ્રેનના ડેપો માટે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બિનપરંપરાગત ઊર્જા પરિયોજનાઓનો અમલ કરી રહી છે. બુલેટ ટ્રેનના થાણે અને સાબરમતી ડેપોમાં સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે અને જો આ કામ પૂર્ણ થશે તો બુલેટ ટ્રેનના ડેપો અને અન્ય વિસ્તારોમાં ઈલેક્ટ્રિક લાઈટ, પંખા અને અન્ય નાના ઉપકરણો માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ત્રણ મોટા રોલિંગ સ્ટોક ડેપો સ્થાપવામાં આવશે. ત્રણ રોલિંગ સ્ટોક ડેપોમાંથી એક થાણે ખાતે સ્થાપવામાં આવશે, જ્યારે બાકીના બે ગુજરાતમાં સાબરમતી અને સુરત ખાતે સ્થાપવામાં આવશે. ત્યાં બુલેટ ટ્રેનનું મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે.
થાણે ડેપો લગભગ ૫૫ હેક્ટરના પ્લોટ પર બાંધવામાં આવશે. સૌથી મોટો રોલિંગ સ્ટોક ડેપો સાબરમતીમાં ૮૩ હેક્ટરમાં બાંધવામાં આવશે. આ બંને ડેપોમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. એકલા સાબરમતી ડેપોમાં લગભગ ૧૪ મેગાવોટ સોલાર વીજ ઉત્પાદન ક્ષમતા હશે.
સુરતમાં ૪૦ હેક્ટર વિસ્તારમાં રોલિંગ સ્ટોક ડેપો બનાવવામાં આવશે. જોકે, સુરત ડેપો અન્ય ડેપોની સરખામણીમાં નાનો છે અને હાલમાં અહીં સૌર ઊર્જા ઉત્પન્ન કરવાની કોઈ યોજના નથી, એમ એનએચએસઆરસીએલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.