ગુડ ન્યૂઝઃ હાર્બર લાઇનને બોરીવલી સુધી વિસ્તારવાના પ્રસ્તાવને મંજૂરી
મુંબઈ: પશ્ચિમ રેલવેના સૌથી મોટા જંકશન બોરીવલી સ્ટેશનને હાર્બર લાઇન સાથે જોડવામાં આવવાનું છે. ગોરેગામથી બોરીવલી સુધી હાર્બર લાઇનનો વિસ્તાર કરવા માટે મે મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ કામ શરૂ થશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
બોરીવલીથી વિરાર દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવાનું કામ આ સાથે હાર્બર લાઇનને બોરીવલી સુધી વધારવાનું કામકાજ યુદ્ધના ધોરણે કરવામાં આવવાનું છે. ગોરેગામથી બોરીવલી માર્ગમાં મલાડ સ્ટેશનને એલિવેટેડ કરવામાં આવવાનું છે, જેથી પ્રવાસીઓને વધુ સારી સગવડ મળશે તેમ જ કાંદિવલી અને બોરીવલી સ્ટેશનના વિકાસ માટે પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેને હવે મંજૂરી મળી ગઈ છે.
આ પણ વાંચો: બોરીવલીમાં સૌથી વધુ મહિલા મતદારો: નારી શક્તિ નક્કી કરી શકે મુંબઈનો વિકાસ
હાર્બર લાઇનને બોરીવલી સુધી વધારવા માટે જીઓટેક સર્વેક્ષણ, ડ્રોન સર્વેક્ષણ, સાઇટ સર્વેક્ષણ, વૃક્ષ-જમીન વગેરેનું સર્વેક્ષણ પૂર્ણ થઈ ગયું છે. હાર્બર લાઇન માટે જમીન સંપાદન, વૃક્ષો હટાવવા, સંરેખણ અને બ્રિજ માટેનો પ્રસ્તાવ રાજ્ય સત્તામંડળને મોકલવામાં આવ્યો છે.
હાલના સમયમાં સીએસટીથી ગોરેગામ સુધી હાર્બર લાઇનની લોકલ સેવા ઉપલબ્ધ છે. જેને લીધે પ્રવાસીઓને ગોરેગામ ઉતરીને આગળનો પ્રવાસ કરવો પડે છે. જેથી હાર્બર લાઇનને પશ્ચિમ રેલવેના બોરીવલી સુધી વિસ્તારવાનો પ્રસ્તાવ 2019માં રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: BMCએ બોરીવલીના પાર્કમાં ગુજરાતી ભાષાની નેમપ્લેટ બદલ પોયસર જીમખાનાને નોટિસ ફટકારી
હાર્બર લાઇનને વિસ્તાર કરવાનું કામ ગોરેગામથી મલાડ અને મલાડથી બોરીવલી આમ બે તબક્કામાં કરવામાં આવવાનું છે. પહેલા તબક્કાનું કામકાજ 2026-27 સુધી અને બીજા તબક્કાનું કામકાજ 2027-28 સુધી પૂર્ણ કરવામાં આવશે અને આ કામ માટે અંદાજે 825 કરોડનો ખર્ચ કરવામાં આવવાનો છે અને જૂન 2024માં કામ શરૂ થશે, એવી માહિતી પશ્ચિમ રેલવેએ આપી હતી.