આનંદો: ગોરેગાંવ મુલુંડ લિંક રોડ આડેનો મોટો અવરોધ દૂર થયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલન જરૂરી હોવાની નોંધ કરતાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ટ્રી ઓથોરિટીને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ માટે મુંબઈના ફિલ્મ સિટીમાં 95 વૃક્ષો કાપવા માટે બહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની અરજી પર નિર્ણય લેવાની મંજૂરી આપી હતી.
ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે બીએમસીની મહત્વાકાંક્ષી જીએમએલઆર પ્રોજેક્ટ માટે પ્રથમ તબક્કામાં વૃક્ષો કાપવા માટે સર્વોચ્ચ અદાલતની મંજૂરી માગતી અરજી પર સુનાવણી કરતાં ઉપરોક્ત નિર્દેશ આપ્યો હતો.
જીએમએલઆર પ્રોજેક્ટમાં મુલુંડ અને ગોરેગાંવ વચ્ચે મુસાફરીનો સમય લગભગ એક કલાક ઘટાડવા માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી રોડ કનેક્ટિવિટી વિકસાવવાની કલ્પના કરવામાં આવી છે.
બીએમસીએ સુપ્રીમ કોર્ટમાં એવી માહિતી આપી હતી કે ટનલ બોરિંગ મશીનો (ટીબીએમ) ચલાવવા અને ટનલિંગ કાર્યનું શાફ્ટ વર્ક શરૂ કરવા માટે 95 વૃક્ષો કાપવા આવશ્યક છે.
ખાડા ખોદવા માટે જમીન ખાલી કરવી જરૂરી છે અને આ પ્રક્રિયામાં ચોક્કસ સંખ્યામાં વૃક્ષો કાપવા જરૂરી છે, એમ ટ્રી ઓથોરિટીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીએ પાલિકાની ટ્રી ઓથોરિટીને મુંબઈની આરે કોલોનીમાં પરવાનગી લીધા વગર વધુ વૃક્ષો કાપવાની મંજૂરી ન આપવાનો નિર્દેશ આપ્યો હોવાથી પાલિકાએ આ અરજી કરી હતી.
બીએમસીએ કહ્યું હતું કે જ્યાં વૃક્ષ કાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે વિસ્તાર ફિલ્મ સિટી હેઠળ આવે છે, આરે કોલોની હેઠળ નથી આવતો, આમછતાં તેમણે સાવચેતીના પગલાં રૂપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
પર્યાવરણનું રક્ષણ મહત્વપૂર્ણ છે એમાં કોઈ શંકા નથી આ (સુપ્રીમ) કોર્ટે સમાનતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને અનેક ચુકાદાઓમાં તેને યોગ્ય ઠેરવ્યું છે, એમ ચીફ જસ્ટિસે આ કેસની સુનાવણી વખતે કહ્યું હતું.
જોકે, વિકાસને અવગણી શકાય નહીં. માળખાકીય સુવિધાઓનો વિકાસ પણ જરૂરી છે. જ્યાં સુધી યોગ્ય માળખાકીય સુવિધાઓ સ્થાપિત ન થાય ત્યાં સુધી દેશ પ્રગતિ કરી શકતો નથી, એમ પણ ચીફ જસ્ટિસે કહ્યું હતું.
ખંડપીઠે બીએમસીને વનીકરણ યોજના સાથે આ મુદ્દા પર નિષ્ણાતોનો અહેવાલ દાખલ કરવા જણાવ્યું હતું.
ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ વૃક્ષ તેમની (સુપ્રીમ કોર્ટ)ની પૂર્વ મંજૂરી વિના કાપી શકાતું નથી અને બીએમસીની અરજીની સુનાવણી બાર ઓગસ્ટ પર મુલતવી રાખી હતી.
આપણ વાંચો: વૃદ્ધાને ગૂંગળાવીને મારી નાખ્યા પછી દાગીના ચોર્યા: બે સગીર પકડાયા
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં 6.2 કિમી લાંબી ટ્વિન ટનલ માટે ફિલ્મ સિટી, ગોરેગાંવ અને ખીંડીપાડા (અમર નગર), મુલુંડ વચ્ચેના 5.3 કિમી જીએમએલઆરમાં વૃક્ષો કાપવાની પરવાનગી માગવામાં આવી છે.
‘આ પ્રોજેક્ટમાં જમીન પર હરિયાળી જાળવવા માટે ટનલ દ્વારા રસ્તાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે,’ એમ વૃક્ષો કાપવાની પરવાનગી માગતી વખતે ટ્રી ઓથોરિટીએ જણાવ્યું હતું.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)ના કાર શેડ પ્રોજેક્ટના સંદર્ભમાં, બીએમસીની ટ્રી ઓથોરિટીને પૂર્વ પરવાનગી વગર મુંબઈની આરે કોલોનીમાં વધુ વૃક્ષ કાપવાની મંજૂરી ન આપવાનો આદેશ, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવ્યો હતો અને તેમણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે આરે જંગલમાં વધુ વૃક્ષો કાપવાનો કોઈ પ્રસ્તાવ છે કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જંગલના વૃક્ષો કાપવા બાબતની ફરિયાદો સાથે કોર્ટે 2023માં કેટલાક જંગલમાં રહેતા સમુદાયોને બોમ્બે હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી હતી.