થાણેવાસીઓ માટે આવ્યા Good News, મેટ્રો-4નું આટલા ટકા કામ પૂરું થયું…
મુંબઈઃ મુંબઈ અને થાણેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે અને આ સમાચાર મેટ્રો-4 સંબંધિત છે. થાણેથી-મુંબઈને જોડનારા આ મેટ્રો રૂટ પર બે તબક્કામાં સર્વિસ શરૂ કરવામાં આવશે. પહેલાં તબક્કામાં ઘોડબંદરથી મુલુંડ વચ્ચે મેટ્રો દોડાવવામાં આવશે. આ બાબતે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ એટલે કે એમએમઆરડીએ દ્વારા મહત્ત્વની માહિતી આપવામાં આવી છે.
2025 સુધી મેટ્રો-4ના કોરિડોરના પહેલાં તબક્કામાં મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે અને આ માટેનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી એમએમઆરડીએ દ્વારા આપવામાં આવી હોય તો પણ આ રૂટ પર પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ 2026-27 સુધી રાહ જોવી પડશે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મુલુંડથી થાણેમાં આવેલા ઘોડબંદર રોડ મેટ્રો રૂટનું કામ ચાલી રહ્યું છે. મેટ્રો ટ્રેકની સાથે સાથે સ્ટેશન બનાવવાનું કામ પણ યુદ્ધના ધોરણ હાથ ધરવામાં આવ્યું છે. અનેક સ્ટેશન પર 50 ટકાથી વધુ સિવિલ કામ પૂરું થઈ ગયું હોવાનું માહિતી એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે સ્ટેશનના સિવિલ વર્કની સાથે સાથે પહેલાં તબક્કાના સાત સ્ટેશનના ફિનિશિંગનું કામ શરૂ કરવાની તૈયારી એમએમઆરડીએ દ્વારા આવી છે. આ અંતર્ગત મુલુંડ ફાયરથી માજીવાડા જંક્શનમાં દરમિયાન સાત સ્ટેશન બાંધવામાં આવશે. આ કામ પૂરું કરવા માટે આશરે 198 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
આ સાત સ્ટેશનમાં મુલુંડ ફાયર બ્રિગેડ, મુલુંડ નાકા, તીન હાત નાકા, આરટીઓ થાણે, મહાનગર પાલિકા રોડ, કેડબરી જંક્શન, માજીવાડા સ્ટેશનના ફિનિશિંગના કામ માટે આશરે 198 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રૂટ પર ટ્રેક બનાવવાના કામ માટે કોન્ટ્રાક્ટરની પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હોવાની માહિતી અધિકારીએ વધુમાં આવી હતી.
મેટ્રો-4નું બાંધકામ 58 ટકા તો મેટ્રો-4એનું 61 ટકા કામ પૂરું થઈ ગયું છે. મેટ્રો-ફોર કોરિડોર માટે કારશેડ બાંધવા કોન્ટ્રાક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે મેટ્રો-4-એ માટે મોઘરપાડા ખાતે કારશેડ ઊભું કરવામાં આવશે અને એ માટે આશરે 905 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.